દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક હાલમાં ચર્ચાઓમાં રહે છે. ક્યારેક ઇનોવેશન અને ટેકનોલોજીને કારણે તો ક્યારેક તેમના સ્પષ્ટવક્તા નિવેદનો અને રાજકીય વલણને કારણે. પરંતુ આ વખતે મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પ તરફના ઝુકાવને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આવો જાણીએ કેમ.
ન્યૂયોર્કમાં વિચિત્ર પોસ્ટર વાયરલ
અમેરિકન સોશિયલ મીડિયાની દુનિયામાં એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. ન્યુ યોર્ક શહેરમાં લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં કૂતરા માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના પાલતુ ડોગનો કચરો નજીકના સાયબરટ્રકમાં ફેંકી દે. એટલું જ નહીં, પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે જો તમે એલન મસ્ક જુઓ છો, તો તેના ચહેરા પર ડોગ વેસ્ટ ફેંકી દો.
મસ્કનો વિરોધ થવાનું કારણ ?
ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, એલોન મસ્ક સામે વિરોધનું સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની નિકટતા છે. અમેરિકાના લોકો માને છે કે મસ્ક અને વ્હાઇટ હાઉસ વચ્ચે વધતી જતી નિકટતા તેમના વ્યવસાયને સરકારી ફાયદા સુધી પહોંચાડી શકે છે. જેના કારણે લોકોમાં નારાજગી વધી રહી છે.
અમેરિકન નાગરિકો એ વાતથી નાખુશ છે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ સરકાર સાથે હાથ મિલાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે.
સાયબરટ્રકને પણ બનાવાયુ નિશાન
હાલમાં સિએટલના એક પાર્કિંગમાં ચાર સાયબરટ્રક સળગાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં ટેસ્લાના કેટલાક માલિકોએ તેમની કાર પર અન્ય બ્રાન્ડના સ્ટીકરો ચોંટાડવાનું શરૂ કરી દીધું છે, જેથી તેમને મસ્કના વિરોધનો સામનો ન કરવો પડે.
ટેસ્લાના શેરમાં તીવ્ર ઘટાડો થયો
મસ્ક માટે મુશ્કેલીઓ અહીં સમાપ્ત થતી નથી. 2024 ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા પછી, 17 ડિસેમ્બરે ટેસ્લાનું મૂલ્યાંકન $1.5 ટ્રિલિયનની ટોચ પર પહોંચ્યું, પરંતુ ત્રણ મહિનાથી ઓછા સમયમાં કંપનીના શેર 45% ઘટી ગયા હતા. 11 માર્ચ સુધીમાં, ટેસ્લાનું માર્કેટ કેપ ઘટીને $૬૯૬ બિલિયન થઈ ગયું છે.


