- પડતર પ્રશ્નોના મુદ્દે શિક્ષકો, તલાટી સહિતના કર્મીઓ વિરોધમાં જોડાયા
- પ્રદર્શનમાં સમર્થનમાં ખેડા જિલ્લાના કર્મચારીઓ જોડાયા હતા
- વિભાગના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી
જૂની પેન્શન યોજનામાં સમાવવા સહિત વિવિધ પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ નહીં આવતાં રાજયવ્યાપી કર્મચારીઓના વિરોધ પ્રદર્શનમાં સમર્થનમાં ખેડા જિલ્લાના કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લાના શિક્ષકો,તલાટી સહિત અન્ય વિભાગના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. જયારે બાલાસિનોર તાલુકા તલાટી મંડળના દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે જાહેર કરેલા આંદોલનના સમર્થનમાં ખેડા જિલ્લાના તમામ કર્મચારીઓ જોડાયા છે. જેમાં શિક્ષકો , આરોગ્ય , તલાટી ,રેવન્યુ વિભાગ સહિત વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જયારે આ બાબતે બાલાસિનોર તલાટી મંડળ દ્વારા ગુરૂવારે તાલુકા પંચાયતમાં ટીડીઓને પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા અંગે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તમામ કર્મચારીઓની ને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી , ફિકસ પગાર યોજના ( જ્ઞાન સહાયક , કરાર આધારિત ) મૂળ અસરથી દૂર કરવી સહિત વિવિધ પડતર માંગણીઓ પૂરી કરવાની રજૂઆત કરતું આવેદનપત્ર મુખ્યમંત્રીને મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું.


