- નાતાલની રજા વચ્ચે સચિવાલયમાં સુશાસન દિવસ ઊજવાયો
- મુખ્યમંત્રીએ પાંચ લાખ જાહેર સેવકો માટે HRMS 2.0 પોર્ટલનું ઉદ્દઘાટન કર્યું
- આપોઆપ અરજી, ફરિયાદ ઉપરી જવાબદાર અધિકારીને તબદીલ થાય તેવી વ્યવસ્થા થઈ છે
નાતાલની જાહેર રજા વચ્ચે સોમવારે સચિવાલયમાં 25મી ડિસેમ્બર- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવડાના નાગરીકોને સરકારી યોજનાના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચુ સુશાસન છે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી- કર્મચારીઓને લાભ થાય તે હેતુસર કર્મયોગી HRMS 2:0 સેવા, ક્ષમતા અને વિકાસ પોર્ટલનું ઉદ્દઘાટન પણ કર્યુ હતુ.
કર્મયોગી HRMS 2:0′ એ સામાન્ય વહિવટ વિભાગ- GAD દ્વારા તૈયાર કરાયેલા પોર્ટલમાં રાજ્યના અધિકારી, કર્મચારીઓની સેવાપોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, APAR તથા પગાર સહિતની અનેક સેવાઓનું ડિજીટાઈઝેશન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે આરોગ્ય, શિક્ષણ, અન્ન નાગરીક પુરવઠા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મળી ચાર વિભાગની પાંચ અલગ અલગ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, મહિલા- બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયાની ઉપસ્થિતિમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સૌ અધિકારી- કર્મચારીઓએ સાથે મળીને છેવાડાના ઘર સુધી લાભો પહોંચાડયાનું જણાવ્યુ હતુ. સચિવાલયમાં કાર્યક્રમ પૂર્વે તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી CM કાર્યાલયની અદ્યતન વેબસાઈટ, સ્વાગત પોર્ટલની અદ્યતન વેબસાઈટ, સીએમ ડેશબોર્ડના રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ 2.0 અને એલર્ટ મોનિટરીંગ સિસ્ટમનો પણ આરંભ કરાવ્યો હતો. સ્વાગત કાર્યક્રમની વેબસાઈટમાં નિયત સમયમર્યાદામાં નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આપોઆપ અરજી, ફરિયાદ ઉપરી જવાબદાર અધિકારીને તબદીલ થાય તેવી વ્યવસ્થા થઈ છે.


