- સરકારી અનાજનો દુરુપયોગ થતો હોવાનો રોષ
- આટલી મોટી સંખ્યામાં ખાલી પેકેટો ગટરમાં ફેંકી દેવાયા હોય
- તંત્ર ગોળગોળ વાતો કરી દોષિતોને છાવરવાની નીતિ અપનાવી રહ્યું છે
આણંદ જિલ્લાના સદાનાપુરાખાતેની ગટરમાંથી આંગણવાડીના ભૂલકાઓને આપવાના પોષ્ટિક આહારના અનેક ખાલી પેકેટો મળી આવતા અનેક તર્કવિતર્કોએ જોર પકડયું છે. આટલી મોટી સંખ્યામાં ખાલી પેકેટો ગટરમાં ફેંકી દેવાયા હોય તેમ બિનવારસી હાલતમાં મળી આવતા પૌષ્ટિક આહારના વિતરણમાં કોઈ ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. નોંધપાત્ર વાત તો એ છે કે છ એક માસ અગાઉ આ જ સદાનાપુરામાંથી સડેલા ચણા અને દાળના પેકેટોનો જથ્થો મળી આવ્યો હતો. હવે ત્યાંથી ખાલી પેકેટો મળ્યા છે.આણંદ જિલ્લાની શાળાઓના મધ્યાહન ભોજન તથા આંગણવાડીના ભૂલકાઓને આપવાના ભોજનમાં ગંભીર પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાના કિસ્સા એક પછી એક બહાર આવી રહ્યા છે. જેની સામે તંત્ર ગોળગોળ વાતો કરી દોષિતોને છાવરવાની નીતિ અપનાવી રહ્યું છે. જેના કારણે બાળકોના ભાગના અનાજને સગેવગે કરી તેને કાળાબજારમાં વેચાવાનું કૌભાંડ ચાલતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આણંદ નજીકના ભાલેજ પાસેના સદાનાપુરાના પીક બસ સ્ટેન્ડ નજીક આવેલી એક ગટરમાં પૌષ્ટિક આહારની પ્લાસ્ટિકની ખાલી થેલીઓનો જથ્થો જોવા મળ્યો છે.


