- નક્સલીઓની મૂવમેન્ટની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી
- મૃતદેહની સાથે જ એલએમજી, ઓટોમેટિક હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો
- પોલીસના અનુસાર ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તાના લેન્ડ્રા ગામના જંગલમાં સુરક્ષા દળોએ નવ નક્સલીઓને ઠાર માર્યા
છત્તીસગઢના નક્સલી હિંસા પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસના અનુસાર ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તાના લેન્ડ્રા ગામના જંગલમાં સુરક્ષા દળોએ નવ નક્સલીઓને ઠાર માર્યા હતા. ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલીઓની મૂવમેન્ટની સૂચના મળ્યા બાદ સોમવારે સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરાયા હતા. ટીમમાં ડીઆરજી, એસટીએફ અને સીઆરપીએફની કોબરા બટાલિયનના જવાનો સામેલ હતા. સુરક્ષા દળોની ટીમ જ્યારે જંગલમાં હતી ત્યારે મંગળવારે સવારે છ વાગે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બંને તરફથી થોડીવાર સુધી ફાયરિંગ થયું હતું જે બાદ નક્સલીઓ ભાગી છૂટયા હતા. જ્યારે ઘટનાસ્થળની તલાશી લેવાઇ ત્યારે ત્યાંથી નક્સલીઓના નવ મૃતદેહ, એક એલએમજી, ઓટોમેટિક હથિયારો, બીજીએલ લોન્ચર અને અન્ય હથિયાર અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં ઘણાં નક્સલીઓ ઘવાયા હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાલાઘાટમાં 42 લાખના ઇનામી નક્સલી ઠાર
મધ્યપ્રદેશના બાલાઘાટમાં 43 લાખની ઇનામી રકમ ધરાવતા બે નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. કેરાઝરીના જંગલમાં સોમવારે રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે ગોળીબાર શરૂ થયા હતા. પોલીસે વિસ્તારની તલાશી લીધી ત્યારે બે મૃતદેહ મળ્યા હતા. જેમાં એકની ઓળખ સજંતી ઉર્ફે ક્રાંતિ અને રઘુ ઉર્ફ શેર સિંહ તરીકે થઇ છે.


