– ૨૦૨૩-૨૪ની ખરીફ મોસમમાં ચોખાના ઉત્પાદનમાં ત્રણ ટકાથી વધુની ઘટ પડવા અંદાજ
Updated: Oct 29th, 2023
મુંબઈ : સાનુકૂળ સ્થિતિને પરિણામે વર્તમાન વર્ષના રવી પાકની વાવણીનો પ્રોત્સાહક પ્રારંભ થયો છે. કઠોળ તથા અનાજના ઊંચા ભાવ તથા સાનુકૂળ હવામાનને પગલે ઘઉં, સરસવ તથા ચણાના વાવેતર માટે ખેડૂતો ઉત્સાહી હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.
કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે, ૨૭ ઓકટોબર સુધીમાં ઘઉંનું વાવેતર ૩.૮૦ લાખ હેકટર વિસ્તાર પર પાડયું છે, જે ગયા વર્ષના ગાળાની સરખામણીએ ૮૦ ટકા વધુ છે. ઘઉં એ મુખ્ય રવી પાક છે.
ઘઉંનું સૌથી વધુ વાવેતર હાલમાં મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. દેશના મોટાભાગના રાજ્યોની સરખામણીએ મધ્ય પ્રદેશમાં ઘઉંનું વાવેતર વહેલુ શરૂ થાય છે.
હાલમાં ઘઉંના ઊંચા ભાવ તથા લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને કારણે ખેડૂતો પણ આ વર્ષે ઘઉંનો વધુ પાક લેવા તત્પર છે. આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેથી ખેડૂતો વધુ પાક લેવા માટે હકારાત્મક રહે. મબલક પાકની સ્થિતિમાં ખાધાખોરાકીનો ફુગાવો નીચે આવી શકે છે.
ઘઉં ઉપરાંત કઠોળનું વાવેતર પણ ગયા વર્ષની સરખામણીએ ૧૧.૩૩ કા વધુ રહ્યું છે. કઠોળમાં ચણા એ મુખ્ય રવી પાક છે. તેલીબિયાંમાં સરસવની વાવણી ૨૮.૪૦ લાખ હેકટર વિસ્તાર પર પૂરી થઈ છે જે ગયા વર્ષના ૨૭ ઓકટોબર સુધીની સરખામણીએ ૧૫.૪૫ ટકા વધુ છે. વર્તમાન વર્ષની ખરીફ મોસમમાં દેશનું ચોખાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ ૩.૭૯ ટકા નીચુ રહી ૧૦.૬૩ કરોડ ટન રહેવા ધારણાં છે.
ચોખાના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં નબળા વરસાદને પરિણામે ૨૦૨૩-૨૪ (જુલાઈથી જૂન)ના ક્રોપ યરમાં ચોખાના ઉત્પાદન પર અસર જોવા મળી રહી હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ગઈ મોસમમાં ચોખાનું ઉત્પાદન ૧૧.૦૫ કરોડ ટન રહ્યું હતું.
તેલીબિયાંનું એકંદર ઉત્પાદન ઘટી ૨.૧૫ કરોડ ટન રહેવાની ધારણાં છે. શેરડીનું ઉત્પાદન જે ગઈ મોસમમાં ૪૯.૦૫ કરોડ ટન રહ્યું હતું તે વર્તમાન મોસમમાં નોંધપાત્ર ઘટી ૪૩.૪૭ કરોડ ટન રહેવા અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે કપાસનું ઉત્પાદન ૩.૬૬ કરોડ ગાંસડી પરથી ઘટી ૩.૧૬ કરોડ ગાંસડી રહેવા ધારણાં છે.
ખરીફ અનાજનું એકંદર ઉત્પાદન ગયા વર્ષમાં જે ૧૫.૫૭ કરોડ ટન રહ્યું હતું તે ઘટી ૧૪.૮૫ કરોડ ટન રહેવા કૃષિ મંત્રાલયનો અંદાજ છે.