ઇંગ્લેન્ડના શાનદાર બોલર જોફ્રા આર્ચરને IPL 2025ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 12.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. તે ફરીથી રાજસ્થાન પરત ફર્યો છે. અગાઉ તે મુંબઈ ઈન્ડિયન્સ માટે સેવા આપી રહ્યો હતો. જો કે હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોફ્રા આર્ચરને એક ખાસ ભેટ આપી છે.
જોફ્રા આર્ચરને ECBએ મોટી ભેટ આપી
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોફ્રા આર્ચરને ખાસ ભેટ આપી છે. બોર્ડ દ્વારા તેમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો છે. તેનો કરાર એશિઝ શ્રેણી 2025-26 સુધી લંબાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આર્ચર પર પૂરો વિશ્વાસ છે કે તે ઈંગ્લેન્ડ માટે આઈપીએલની સાથે સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ યોગદાન આપશે. આર્ચરે તેની છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2021માં રમી હતી. આર્ચરનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.
સ્ટોક્સે વિશ્વાસ વ્યક્ત કર્યો
આ દિવસોમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં યજમાન ટીમ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. દરમિયાન, સ્ટોક્સે જોફ્રાના ટેસ્ટમાં વાપસીની સંભાવના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આર્ચરની લાલ બોલની ટીમમાં વાપસી કરવાની મહત્વાકાંક્ષા હજુ પણ મજબૂત છે. તેણે ઝિમ્બાબ્વે સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે 22 મેથી શરૂ થનારી વન-ઑફ ટેસ્ટ માટે પણ પોતાની જાતને આગળ ધપાવી છે, જોકે તે ઉપલબ્ધ થવાની શક્યતા નથી. તમને જણાવી દઈએ કે આર્ચરનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2025માં પૂરો થવાનો હતો. પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેનો કરાર 2026 સુધી લંબાવ્યો છે.
આ સ્ટાર ખેલાડીઓને 2 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો
જોફ્રા આર્ચર ઉપરાંત હેરી બ્રૂક, જો રૂટ, બેન સ્ટોક્સ, માર્ક વુડ, જોસ બટલર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમને 2 વર્ષનો કરાર મળ્યો છે. આ સિવાય રેહાન અહેમદ, જોની બેસ્ટો, શોએબ બશીર, બેન ડકેટ, ઓલી પોપ, રીસ ટોપલી, સેમ કરન, જેક ક્રાઉલી, રેહાન અહેમદ, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓને એક વર્ષના કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.


