ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સતત રન બનાવનાર રૂટે વેલિંગ્ટનમાં ન્યુઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. તે ટેસ્ટ ઈતિહાસમાં 50 કે તેથી વધુ રનની 100 ઈનિંગ્સ રમનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો.
151મી ટેસ્ટમાં રૂટે કર્યો કમાલ
વિશ્વના નંબર 1 ટેસ્ટ બેટ્સમેન રૂટ વેલિંગ્ટનમાં તેની કારકિર્દીની 151મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેને બીજા દાવમાં 50 રનનો આંકડો પાર કર્યો. બીજા દિવસની રમતના ત્રીજા સેશન દરમિયાન રૂટે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સિવાય તે પોતાના દેશ માટે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ છે.
નંબર 1 પર સચિન તેંડુલકર
ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 50+ રન બનાવવાનો રેકોર્ડ છે. સચિનના 24 વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન, સચિન તેંડુલકરે ભારત માટે 200 ટેસ્ટ રમી અને 119 વખત 50+ સ્કોર બનાવ્યા. તેને 51 સદી અને 68 અડધી સદી સાથે તેની ટેસ્ટ કારકિર્દીનો અંત કર્યો.
રૂટ દ્રવિડથી આગળ નીકળ્યો
સચિન તેંડુલકર પછી, જેક્સ કાલિસ અને રિકી પોન્ટિંગના નામ એવા બેટ્સમેનોના લિસ્ટમાં આવે છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવ્યો છે. પોન્ટિંગ અને કાલિસ બંનેએ ટેસ્ટ ક્રિકેટમાં 103 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. 100મી વખત આવું કરીને રૂટે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. દ્રવિડે 99 વખત 50 રનનો આંકડો પાર કર્યો હતો.
ટેસ્ટમાં 50+ નો સર્વોચ્ચ સ્કોર
સચિન તેંડુલકર (ભારત) – 119
જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 103
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 103
જો રૂટ (ઈંગ્લેન્ડ) – 100
રાહુલ દ્રવિડ (ભારત) – 99


