ઝિમ્બાબ્વેની 22 વર્ષની રાહનો અંત આવ્યો. ઝિમ્બાબ્વે લાંબા સમય પછી ઈંગ્લેન્ડની ધરતી પર પરત ફર્યું છે. ઝિમ્બાબ્વે 22 વર્ષ પછી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યું છે. બંને ટીમો વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહી છે.
ઝિમ્બાબ્વેના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઝિમ્બાબ્વેએ ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લી ટેસ્ટ મેચ 2003માં રમી હતી. ત્યારથી, ટીમને અહીં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી નથી.
ઝિમ્બાબ્વેનું 22 વર્ષ પછી કમબેક
ટ્રેન્ટ બ્રિજ મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચ ઝિમ્બાબ્વે માટે ઐતિહાસિક ટેસ્ટ મેચ તરીકે યાદ રાખવામાં આવશે. ઝિમ્બાબ્વેની ટીમ 22 વર્ષ પછી અંગ્રેજી ધરતી પર વ્હાઈટ જર્સીમાં રમવા આવી છે. મુલાકાતી ટીમે 2023માં ઈંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ એર્વાઈને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી છે અને આ સમાચાર લખાયા ત્યાં સુધી, બેન ડકેટ અને જેક ક્રોલીએ 50 થી વધુ રન બનાવ્યા છે.
ડકેટ શાનદાર ફોર્મમાં છે અને ઝિમ્બાબ્વેના બોલરો સામે આક્રમક અભિગમ સાથે રમી રહ્યો છે. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે સેમ જેમ્સ કૂક ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. કૂક એક ઝડપી બોલર છે અને તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 89 મેચોમાં 321 વિકેટ લીધી છે.
ભારત સામેની સિરીઝ પહેલા કરી પ્રેક્ટિસ
ભારતનો સામનો કરતા પહેલા ઝિમ્બાબ્વે સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે સારી પ્રેક્ટિસ માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જે 20 જૂનથી શરૂ થવાની છે. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ લીડ્સમાં રમાશે. એજબેસ્ટન બીજી ટેસ્ટ મેચનું આયોજન કરશે, જે 2 જુલાઈથી રમાશે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી શરૂ થશે, જે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે અને છેલ્લી ટેસ્ટ મેચ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે.


