- સ્વાદની સાથે સ્વાસ્થ્યને માટે પણ છે ફાયદારૂપ
- વિટામિન એથી ભરપૂર મૂળા ચહેરાની ચમક પણ વધારશે
- પ્રોટીન, કેલ્શિયમ, સોડિયમ, ફાસ્ફોરસ અને મેગ્નેશિયમથી ભરપૂર છે મૂળા
શિયાળામાં મળતા મૂળા સ્વાદમાં જેટલા ઉત્તમ છે તેટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ ગણાય છે. ઠંડીમાં ખાવામાં આવતા મૂળાનો મોટેભાગે લોકો ઉપયોગ સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફાસ્ફોરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. તો જાણી લો ગરમાગરમ મૂળાના પરાઠાની મજા માણવા માટેની ખાસ રેસિપિ.
મૂળાના પરાઠા
સામગ્રી
-1 કપ મૂળાની છીણ
-3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/4 ટીસ્પૂન ગરમ મસાલો
-1/8 ટીસ્પૂન હળદર
-1 નંગ લીલું મરચું સમારેલુ
-3 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1/2 ટીસ્પૂન આદુંની પેસ્ટ
-1 ટીસ્પૂન જીરૂં
-મીઠું સ્વાદાનુસાર
લોટ માટે
-1 કપ ઘઉંનો લોટ
-1 ટેબલસ્પૂન ઘી
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌ પ્રથમ પડ માટેની બધી જ સામગ્રી એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈને તેને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને વધારે સોફ્ટ પણ નહીં અને વધારે કડક પણ નહીં એ પ્રકારની કણક તૈયાર કરી લો. ત્યાર બાદ તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દો. હવે મૂળાની છાલ કાઢીને તેને છીણી લો. ત્યાર બાદ તેમાં થોડુંક મીઠું અને હળદર છાંટીને થોડીવાર માટે રહેવા દો. હવે મૂળામાંથી પાણી છૂટું પડશે. તો આ પાણીને હાથેથી દબાવીને નીતારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં લીલા મરચાં અને આદુંની પેસ્ટ ઉમેરીને સાંતળો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં નીતારેલી મૂળાની છીણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં કોથમીર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર હલાવી લો. ધીમા તાપે લગભગ 5 થી 6 મિનિટ માટે સાંતળો. સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. હા પણ તેને સતત હલાવતા રહો જેથી તે ચોંટે નહી. બસ સ્ટફિંગ તૈયાર થઈ ગયુ છે. ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. તૈયાર કરેલા સ્ટફિંગમાંથી નાના-ગોળા તૈયાર કરી લો. એ જ રીતે લોટમાંથી પણ મધ્યમ કદના ગોળા તૈયાર કરી લો. હવે મધ્યમ કદની જાડી પૂરી વળી લો. તેમાં તૈયાર કરેલુ સ્ટફિંગ ભરીને સીલ કરીને પરાઠાને વળી લો. નોન સ્ટિક તવી પર તેલ લગાવીને તેને બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે શેકી લો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ મૂળાના પરાઠા, ગરમા-ગરમ રાયતા અને ચટણી સાથે સર્વ કરો.