અમેરિકામાં યૌન અપરાધના દોષિત જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા કેસમાં અમેરિકી ન્યાય વિભાગે મંગળવારે વધુ એક મોટો દસ્તાવેજોનો જથઅથો સાર્વજનિક કર્યો છે. એપસ્ટીન તપાસમાં જોડાયેલા લગભગ 30,000 પાનાના દસ્તાવેજ અને ઘણી વીડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટીનના ખાનગી જેટની ઉડાનના રેકોર્ડમાં સામે આવ્યું છે.
2019માં એપસ્ટીનનું શંકાસ્પદ હાલતમાં મોત થયું
જો કે અધિકારીઓનો ટ્રમ્પ પર કોઈ પણ ગુનાહિત સંડોવણીનો આરોપ નથી. ન્યાય વિભાગ તરફથી જાહેર કરાયેલી ફાઈલોમાં ભારે માત્રામાં ગુપ્ત જાણકારીને બ્લેકઆઉટ કરવામાં આવી છે. તેમાંથી ઘણા વીડિયો કથિત રીતે જેલની અંદર શૂટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેફ્રી એપસ્ટીનનું વર્ષ 2019માં ન્યૂયોર્કની એક જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા પણ જણાવવામાં આવી રહી છે.
ટ્રમ્પે 1993થી 1996ની વચ્ચે 8 વખત મુસાફરી કરી
દસ્તાવેજોમાં સામેલ એક ઈમેઈલ, જેની તારીખ 8 જાન્યુઆરી 2020ની છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એપસ્ટીનના ખાનગી જેટથી 1993થી 1996ની વચ્ચે 8 વખત મુસાફરી કરી હતી. જો કે ઈમેઈલ મોકલનાર અને મેળવનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. ઈમેઈલ મુજબ આ ફ્લાઈટ્સમાંથી 4માં ઘિસ્લેન મેક્સવેલ પણ હાજર હતા. જે એપસ્ટીનની પ્રેમિકા માનવામાં આવે છે અને ત્યારબાદ માનવ તસ્કરી કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી.
શું કહ્યું ન્યાય વિભાગે?
દસ્તાવેજમાં એ પણ કહેવામાં આવ્યું કે કેટલીક મુસાફરીમાં ટ્રમ્પની સાથે તેમની તત્કાલિન પત્ની માર્લા મેપલ્સ, દીકરી ટિફની ટ્રમ્પ અને પુત્ર એરિક ટ્રમ્પ પણ મુસાફરી કરી રહ્યા હતા. દસ્તાવેજ જાહેર થયા બાદ થોડી જ મિનિટોમાં ન્યાય વિભાગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે આ ફાઈલોમાં સામેલ કેટલાક દાવાઓ ખોટા છે. ખાસ કરીને ટ્રમ્પને લઈને. વિભાગે કહ્યું કે આ દાવા 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા FBIને સોંપવામાં આવ્યા હતા.


