વૈશ્વિક બજારોમાંધોવાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં છેતરામણી રિકવરી
મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વથી શરૂ થયેલા જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકાના બોન્ડ યીલ્ડ પાંચ ટકાની ઊંચાઈએ પહોંચી જવા સાથે ચાઈનાના આર્થિક સંકટ વચ્ચે સ્ટીમ્યુલસના પગલાં લેવાની ફરજ પડી રહ્યા છતાં અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોમાં ફરી કડાકો બોલાઈ જવા સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોના હેમરીંગે ધોવાણ વધતું જોવાયું હતું. છેલ્લા છ ટ્રેડીંગ દિવસમાં રૂ.૧૭.૭૮ લાખ કરોડનું ધોવાણ થયું છે. માર્કેટ કેપ જે ૧૭, ઓકટોબરના રૂ.૩૨૩.૮૨ લાખ કરોડ હતું એ આજે ઘટીને રૂ.૩૦૬.૦૪ લાખ કરોડ રહી ગયું છે.
ફંડોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં છેલ્લા કલાકમાં છેતરામણું બાઈંગ બતાવ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. સેન્સેક્સ ૬૪૦૦૦ની સપાટી ગુમાવી હવે ૬૩૦૦૦ની સપાટી પણ ગુમાવવાની તૈયારી વચ્ચે નીચામાં ૬૩૦૯૨.૯૮ સુધી ખાબકી અંતે ૯૦૦.૯૧ પોઈન્ટ તૂટીને ૬૩૧૪૮.૧૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૦૦૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૧૮૮૩૭.૮૫ સુધી ખાબકી અંતે ૨૬૪.૯૦ પોઈન્ટ ગબડીને ૧૮૮૫૭.૨૫ બંધ રહ્યા હતા. એફપીઆઈઝ-એફઆઈઆઈઝની આજે વધુ રૂ.૭૭૦૦ કરોડના શેરોની જંગી વેચવાલી સાથે બે દિવસમાં રૂ.૧૨૦૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ છે.
બેંકેક્સ ૪૮૦ પોઇન્ટ તૂટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો, મોટા મહારથીઓનું મોટાપાયે હેમરીંગ ચાલુ રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૮૦.૯૭ પોઈન્ટ તૂટીને ૪૭૬૯૨.૩૬ બંધ રહ્યો હતો. એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૨૦.૪૫ તૂટીને રૂ.૬૮૬, બેંક ઓફ બરોડા રૂ.૫.૫૫ તૂટીને રૂ.૧૮૯.૩૦, ફેડરલ બેંક રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૩૮.૨૦, એચડીએફસી બેંક રૂ.૩૩.૦૫ તૂટીને રૂ.૧૪૬૩.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૪.૫૫ તૂટીને રૂ.૧૬૯૪.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૦ ઘટીને રૂ.૫૪૭.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૯૦ ઘટીને રૂ.૯૦૯.૧૫ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૬૬૭ તૂટયો
બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૬૭.૪૩ પોઈન્ટ તૂટીને ૩૬૨૩૩.૬૮ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૩.૭૫ તૂટીને રૂ.૧૫૦૪.૮૫, મારૂતી સુઝુકી રૂ.૨૦૪.૨૫ તૂટીને રૂ.૧૦,૩૯૨, બજાજ ઓટો રૂ.૯૬.૩૫ તૂટીને રૂ.૫૨૫૦.૮૦, ટાટા મોટર્સ રૂ.૧૧.૪૦ તૂટીને રૂ.૬૨૬.૪૫, આઈશર મોટર્સ રૂ.૫૫.૭૦ તૂટીને રૂ.૩૩૨૭.૧૫ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી
મેટલ-માઈનીંગ શેરોમાં ફરી ફંડો ઉછાળે વેચવાલ બન્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૯.૪૦ તૂટીને રૂ.૭૨૮.૯૫, કોલ ઈન્ડિયા રૂ.૫.૧૦ ઘટીને રૂ.૩૦૫.૨૦, ટાટા સ્ટીલ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૧૯.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૪૬.૯૯ પોઈન્ટ તૂટીને ૨૨૧૧૩.૪૬ બંધ રહ્યો હતો.
૨૩૩૫ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા વચ્ચે આજે ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં છેતરામણું બાઈંગ બતાવી રિકવરી લાવવામાં આવ્યા બાદ ફરી ઉછાળે ઓફલોડિંગ વધતાં વ્યાપક ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૦૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૩૦ અને ઘટનારની સંખ્યા ૨૩૩૫ રહી હતી.
DIIની રૂ.૬૫૫૮ કરોડની ખરીદી
એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૭૭૦૨.૫૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૨૩૯.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૯૪૧.૫૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૬૫૫૮.૪૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપતિ ઘટી
રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં વધુ રૂ.૩.૧૮ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૩૦૬.૦૪ લાખ કરોડ રહી ગયું હતું.
એશીયા, યુરોપના બજારોમાં કડાકો
વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ આજે કડાકો બોલાઈ ગયો હતો. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૬૮.૧૪ પોઈન્ટ તૂટીને ૩૦,૬૦૧.૭૮, હોંગકોંગનો હેંગસેંગ ૪૦.૭૨ પોઈન્ટ ઘટીને ૧૭૦૪૪.૬૧ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૧૧૮ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૮ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.


