- ચૂંટણીમાં ચેરમેનપદ જતુ રહેશે તે ચિંતા કર્યા વગર ક્ષેત્રનો વિસ્તાર કરો
- સહકારિતાનો વ્યવહાર સહકારી ક્ષેત્રમાંથી કરો જેથી બહારથી ભંડોળ લાવવુ ન પડે
- દેશમા બે લાખ ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં દુધ ડેરી કે પેક્સ નથી. આ ગામોમાં મલ્ટીપર્પઝ પેક્સ તૈયાર કરાશે
સરકારે દેશના બે લાખ ગ્રામ પંચાયતોમાં સહકારી મંડળીઓ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જેથી આ ક્ષેત્રને અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વિકસિત ભારતનું નિર્માણ થાય. અહીંના મહાત્મા મંદિરમાં શનિવારે સહકાર સે સમૃધ્ધિ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ચૂંટણીમાં ચેરમેનપદ જતુ રહેશે તેવી ચિંતા કર્યા વગર ગામેગામ મંડળીઓ શરૂ કરવા આહવાન કર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સમેત સહકારી ક્ષેત્રના આગેવાનોને સંબોધતા અમિત શાહે ”તમામ સહકારી સંસ્થાઓને પોતાના બેંક એકાઉન્ટ સહકારી બેંકોમાં ખોલાવે જેથી નાણાં બચાવી શકાય. વ્યવહાર પણ આ ક્ષેત્રમાં થાય તો બહારથી ભંડોળ લાવવુ ન પડે” એ સુચન કર્યુ હતુ. તેમણે આ પ્રસંગે ગુજરાતમાં નેનો યુરિયા અને ડીએપીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ, દેશમાં સર્વપ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનું લોકાર્પણ અને ભારત ઓર્ગેનિક આટાનું લોન્ચિંગ કર્યુ હતુ. સહકાર મંત્રીએ કહ્યુ કે, સહકારી સંસ્થા મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે અને તેમાંથી ઈથેનોલનું નિર્માણ થશે. જેથી દેશ ઓછુ પેટ્રોલ ખરીદી કરી નાણાં બચાવી શકશે. વર્ષ 2029 સુધીમાં દેશની કોઈ પણ પંચાયત દુધ ડેરી કે પેક્સ વગરની નહી હોય તે રીતે કામ થઈ રહ્યુ છે. સહકારી ક્ષેત્ર કરોડો ભારતીયોના જીવન સાથે જોડાયેલુ છે, નાગરિકોના જીવનમાં મોટો બદલાવ લાવશે. અમૂલના માધ્યમથી 35 લાખ બહેનો માત્ર રૂ.100ના નજીવા રોકાણ સામે વાર્ષિક રૂ.7,000 કરોડનો વેપાર કરી રહી છે. આ ઉત્તમ ઉદાહરણને દેશમાં વિસ્તારાશે. દેશમા બે લાખ ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં દુધ ડેરી કે પેક્સ નથી. આ ગામોમાં મલ્ટીપર્પઝ પેક્સ તૈયાર કરાશે.
ગુજરાતમાં 83 હજારથી વધુ મંડળીના 2.30 કરોડ સભાસદો સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય સાથે કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાતમાં 9,400થી વધુ પેક્સ મંડળીઓમાં મોડલ બાયલોઝનું અમલીકરણ થયાનું કહીને તેને કોમન સર્વિસ સેન્ટર તરીકે કાર્યરત કર્યાનું જણાવ્યુ હતુ.


