- યુપીના ઇટાવામાં ટ્રેનમાં આગનો બીજો બનાવ
- દિલ્હીથી સહરસા જઇ રહી હતી વૈશાલી એક્સપ્રેસ
- ટ્રેનની 6 બોગીમાં લાગી આગ
છેલ્લા 12કલાકમાં યુપીમાં બીજી ટ્રેન દુર્ઘટના બની હતી. બિહાર જઇ રહેલી વૈશાલી એક્સપ્રેસના સ્લીપર કોચમાં આગ લાગી હતી. દિલ્હીથી સહરસા જતી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનની S6 બોગીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થતા સારવાર માટે સૈફઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક ટ્રેનમાં આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
19 મુસાફરો થયા ઘાયલ
આગની ઘટનામાં 19 લોકો ઘાયલ થયા હતા જેમાંથી 11 મુસાફરોને સૈફઈ પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય 8 જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 12554 વૈશાલી એક્સપ્રેસ ટ્રેનની S6 બોગીમાં આગ લાગી હતી. આ ઘટના પોલીસ સ્ટેશનના ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારના મૈનપુરી ગેટ પાસે બની હતી. ફાયર વિભાગે ટ્રેનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તેની તપાસ ચાલી રહી છે. મહત્વનું છેકે . છેલ્લા 12 કલાકમાં ટ્રેનમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. આ ઘટનાઓને કારણે છઠ પૂજા માટે ઘરે જતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિલ્હીથી દરભંગા જતી એક્સપ્રેસમાં આગ
ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના થોડા કલાકો પહેલા જ ઇટાવામાં નવી દિલ્હીથી દરભંગા જતી સ્પેશિયલ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જશવંત સ્ટેશન છોડ્યા પછી, ઇટાવાથી લગભગ છ કિમી પહેલાં સરાય ભૂપત નજીક એસ-વન કોચમાં એક સ્પાર્ક થયો, જે તરત જ આગમાં ફેરવાઈ ગયો. એસ-વન અને તેની સાથે જોડાયેલા અન્ય કોચમાં આગ લાગવાને કારણે નાસભાગ મચી ગઈ હતી અને મુસાફરોએ કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનના બે ડબ્બા બળીને રાખ થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.