- પ્રકાશ એ તમારા મનમાં ટૂંકા સમય માટે થનારી એક ઘટના છે
જ્યારે આપણે આધ્યાત્મ વિશે વાત કરીએ છીએ, ત્યારે મોટાભાગના લોકો આધ્યાત્મિક પ્રકાશ, દિવ્ય પ્રકાશ વિશે વાત કરે છે! હંમેશાં એવું લાગતું હોય છે કે પ્રકાશ વધારે સારો છે પણ હકીકતમાં, આ ધરતી પર દિવસ કરતાં રાત્રે સક્રિય અને જીવંત હોય એવા જીવો વધારે છે. જો તમે આ જીવોમાંના એક હોવ, તો પ્રકાશનું તેજ તમારા માટે વધારે પડતું તીવ્ર હોય છે અને દિવસ દરમિયાન તમને આંધળા કરી નાખે છે; એવું બસ રાત્રે જ થાય કે, જ્યારે પ્રકાશ ઘટે અને તમે સ્પષ્ટપણે જોઈ શકો. મનુષ્યની દૃષ્ટિ પ્રકાશને અનુરૂપ છે એટલે આપણને લાગે છે કે પ્રકાશ સારો છે, પણ આ ધરતી પરના મોટાભાગના જીવો માટે આવું નથી.
પ્રકાશ એક સીમિત ઘટના છે, એ અર્થમાં કે તમે અત્યારે જે પણ પ્રકાશ અનુભવી રહ્યા છો, દાખલા તરીકે લાઈટ બલ્બમાંથી, તે એક પ્રકારનો અગ્નિ છે – કંઈક બળી રહ્યું છે. બધા લાઈટ બલ્બ એક્સપાયરી ડેટ સાથે આવે છે – કદાચ થોડાક સો કલાકની ક્ષમતા સાથે. એક વાર તે સમય પૂરો થઈ જાય, પછી બલ્બ પ્રકાશ આપવાની ક્ષમતા ગુમાવે છે. પ્રકાશના જે સૌથી મોટા સ્ત્રોતને આપણે જાણીએ છીએ તે સૂર્ય પણ જબરદસ્ત ગતિએ બળી રહ્યો છે. તેને થોડાંક અબજ વર્ષો લાગી શકે, પણ તે ભાંગીને અદૃશ્ય થઈ જશે. તે કદાચ તમારી વ્યક્તિગત ચિંતા ન હોય, પણ જો તમે પૃથ્વીના ભવિષ્ય માટે ખરેખર લાંબા ગાળાનો વિચાર કરો, તો તે એક ચિંતાનો વિષય છે. બે કે ત્રણ અબજ વર્ષો તમને એક અકલ્પનીય સમયગાળો લાગી શકે, પણ જો આ સૂર્યમંડળ અથવા આ આકાશગંગા પાસે વિચાર કરનારું મન હોત, તો મને ખાતરી છે કે તે થોડાં અબજ વર્ષો ખૂબ દૂર છે એવું ન વિચારત; તે ઘણે અંશે તેના જીવનના સમયગાળામાં જ હશે.
તો પ્રકાશ એ તમારા મનમાં ટૂંકા સમય માટે થનારી એક ઘટના છે. પ્રકાશ શાશ્વત નથી; તે હંમેશાં એક સીમિત સંભાવના છે, કારણ કે તે શરૂ થાય છે અને પતી જાય છે. બસ, સમય અને અનંતકાળના સંદર્ભમાં જ નહીં, સંભાવનાની દૃષ્ટિએ પણ, હું મારા હાથથી પ્રકાશને રોકી શકું છું. માત્ર લાઈટ બલ્બ જ નહીં, હું ખાલી મારા હાથથી સૂર્યના પ્રકાશને પણ રોકી શકું છું અને પાછળ અંધકારનો પડછાયો છોડી શકું છું. તો અંધકાર એ પ્રકાશ કરતાં ઘણી મોટી સંભાવના છે. કંઈ પણ બાળવાની જરૂર નથી, તે હંમેશાં છે જ; શાશ્વત. અંધકાર સર્વત્ર છે; તે એકમાત્ર વસ્તુ છે જે સર્વવ્યાપી છે.
હું અંધકાર અને પ્રકાશનો ઉપયોગ ફક્ત એક ઉદાહરણ તરીકે કરી રહ્યો છું, તે બતાવવા માટે કે જેમ જેમ જીવન વિશેની તમારી સમજણ અને તેનો અનુભવ ઊંડો થતો જાય તેમ તેમ તમારી જીવનને જોવાની રીત આપમેળે રૂપાંતરિત થઈ જાય છે. તમે જે રીતે જીવનનો ઉપયોગ કરો છો અને તમારા જીવનમાંથી જે બનાવો છો તે પણ આપમેળે રૂપાંતરિત થઈ જાય છે.


