- લોકશાહીમાં યુવાનોની જેટલી વધુ ભાગીદારી હશે, દેશનું ભવિષ્ય એટલું જ સારું રહેશે
- યુવાનોને ડ્રગ્સ અને વ્યસનોથી દૂર રહેવા અને મેડ ઇન ઇન્ડિયા પ્રોડ્ક્ટસ વાપરવાની અપીલ
- દેશના તમામ મંદિરો, તીર્થક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો, શ્રામદાન કરો
દેશના યુવાનોને રાજકારણમાં જોડાઇને રાષ્ટ્ર સેવા કરવા માટે પ્રોત્સાહિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે તેમ કરવાથી દેશમાં વંશવાદી રાજકારણનો ખાતમો થશે. નાસિકમાં આયોજિત 27મા નેશનલ યૂથ મીટનું ઉદઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, હું દેશના યુવાનોને રાજકારણના માધ્યમથી દેશ સેવા કરવાની વિનંતી કરું છું. ભારત લોકશાહીની માતા છે. યુવાનોની લોકશાહીમાં જેટલી વધુ ભાગીદારી હશે, દેશનું ભવિષ્ય એટલું જ સારું રહેશે. યુવાનોની ભાગીદારી દેશમાં વંશવાદી રાજકારણનો ખાતમો કરશે. વડાપ્રધાને યુવાનોને વિનંતી કરી હતી કે તેઓ સ્થાનિક પ્રોડ્ક્ટસને પ્રોત્સાહન આપે, માત્ર મેડ ઇન ઇન્ડિયા પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરો, તમામ પ્રકારના ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહે, માતાઓ, બહેનો અને દીકરીઓના નામે અપશબ્દોના ઉપયોગ સામે પોતાનો અવાજ ઉઠાવે અને આ દૂષણનો અંત આણે.
યુવાનો તીર્થસ્થાનોમાં સ્વચ્છતા અભિયાન ચલાવે
વડાપ્રધાને પોતાના સંબોધનમાં યુવાનોને આહવાન કર્યુ હતું કે તેઓ તીર્થસ્થળોમાં આગામી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવે. પીએમએ કહ્યું હતું કે મેં આહવાન કર્યુ હતું કે આગામી 22 જાન્યુઆરી સુધી આપણે બધા દેશના તીર્થ સ્થાનો, મંદિરોની સાફ-સફાઇ કરીએ, સ્વચ્છતા અભિયાન ચલાવીએ. હું દેશવાસીઓને ફરીવાર આગ્રહ કરું છું કે રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગે દેશના તમામ મંદિરો, તીર્થક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો, શ્રામદાન કરો.
યુવાઓ શ્રીઅન્નના બ્રાન્ડ એમ્બેસેડર :
વડાપ્રધાને યુવાનોને વિનંતી કરી હતી કે તેઓ પોતાના દાદા-દાદીને બાજરીના રોટલા, કોદરા, કુટકી, રાગી, જુવાર વગેરેના વપરાશ વિશે પૂછજો. વડાપ્રધાને કહ્યું હતું કે ગુલામીની માનસિકતાને કારણે આ ખાદ્ય પદાર્થોને ગરીબી સાથે જોડી દેવાયા હતા અને તેને ભારતીય રસોડામાં સ્થાન મળ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે સરકારે બાજરી અને જાડા અનાજને સુપરફૂડ તરીકે નવી ઓળખ આપી છે અને તેમ કરીને આ અનાજને શ્રીઅન્ન તરીકે ભારતીય ઘરોમાં પાછું આણ્યું છે. હવે તમારે યુવાનોએ આ અનાજના બ્રાન્ડ એમ્બેસેડર બનવું પડશે.


