- મોંઘી વીજળી બાબતે વિધાનસભામાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ
- મોંઘી વીજળી ના ખરીદીએ તો ગુજરાતે અંધારપટમાં રહેવાની તૈયારી રાખવી પડશે
- સરકારી વીજવિતરણ કંપનીઓ સાથે આ ખાનગી કંપનીઓનું પણ સીએજી મારફત ઓડિટ થાય છે
વિધાનસભામાં વીજળીના ભાવ અંગે થયેલી ચર્ચામાં રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત રાજ્યો પણ મોંઘા ભાવે જ વીજળી ખરીદે છે.
મોંઘી વીજળી રાજ્ય સરકાર ખરીદતી હોવાના આક્ષેપના સંદર્ભમાં મંત્રીએ એવી દલીલ પેશ કરી હતી કે, આ ખાનગી કંપનીઓ મોંઘા ભાવનો કોલસો લાવી ઉત્પાદન કરે છે, ત્યારે આપણે એ નક્કી કરવાનું છે કે, આ વીજળી ખરીદવી કે પછી ગુજરાતને અંધારપટમાં રાખવાનું છે?
અદાણી અને તાતા જેવી કંપનીઓ પાસેથી ખૂબ ઊંચા ભાવે કરોડો રૂપિયાની વીજળી રાજ્ય સરકાર જીયુવીએનએલ મારફતે ખરીદે છે ત્યારે આ ખાનગી કંપનીઓનું ‘કેગ’ દ્વારા ઓડિટ કરાવવાની માગણીના સંદર્ભમાં ઊર્જામંત્રીએ એવું જણાવ્યું હતું કે, સરકારી વીજવિતરણ કંપનીઓ સાથે આ ખાનગી કંપનીઓનું પણ સીએજી મારફત ઓડિટ થાય છે.
અદાણી-તાતા જેવી ખાનગી વીજકંપનીઓ પાસેથી અતિશય ઊંચા ભાવે ખરીદાતી વીજળી અંગે રજૂઆતનો જવાબ આપતાં ઊર્જામંત્રીએ જણાવ્યું હતું કે, આ કંપનીઓને યુનિટદીઠ ફિકસ્ડ કોસ્ટ 70-75 પૈસા છે, આ કંપનીઓ પાસેથી યુનિટ દીઠ રૂ.6થી 7માં રાજ્ય સરકાર વીજળી ખરીદે છે અને આ ખરીદી રાજ્ય માટે ફાયદાકારક છે, જો આપણે આ મોંઘી વીજળી ના ખરીદીએ તો બીજા રાજ્યો ખરીદી લે, એટલે આપણે એ નક્કી કરવાનું છે કે, આ વીજળી ખરીદવી કે નહીં, આપણે આ વીજળી નહીં ખરીદીને શું ગુજરાતમાં અંધારપટ કરવો છે ?
કોંગ્રેસ શાસિત રાજ્યો પણ ગુજરાત જેવાં જ મોંઘા ભાવે વીજળી ખરીદતાં હોવાનું જણાવી ઊર્જામંત્રીએ ગુજરાતની માલિકીના પ્લાન્ટ જાણીબુઝીને ઓછી ક્ષમતાએ ચલાવાતા હોવાના આક્ષેપના પ્રત્યુત્તરમાં કહ્યું કે, ગુજરાતના વીજપ્લાન્ટ વર્ષો જૂના છે એટલે એમાં વીજઉત્પાદન ખર્ચ વધારે આવતાં એમની વીજળી મોંઘી પડે છે, ખાનગી કંપનીઓના વીજમથકો અલ્ટ્રા મોર્ડન ટેક્નોલોજીથી ચાલતા હોઈ એમની વીજળી સસ્તી પડે છે.


