- નડિયાદ સહિત ગાયોના મૃત્યુનાં ફોટોગ્રાફ્સ જોઈ હાઈકોર્ટ ચોંકી ઊઠી
- ચોક્કસ નીતિના અભાવે પશુધનનાં મૃત્યુ થવા ન જોઈએ : હાઈકોર્ટ
- હાઇકોર્ટે ઢોરવાડાઓમાં કેટલા પશુ રાખવાની ક્ષમતા છે
રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફ્કિની સમસ્યા સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં અમદાવાદ, નડિયાદ સહિતના સ્થળોએ નિર્દોષ ગાયો અને પશુધનના નીપજેલા મોત અને તેના આડેધડ કરાયેલા નિકાલ અંગેના ફેટોગ્રાફ્સ અને સોગંદનામાં સાથે અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ જોઇ કોર્ટે આઘાતની લાગણી વ્યકત કરી હતી. હાઇકોર્ટે રાજય સરકાર અને સત્તાવાળાઓને સાફ્ શબ્દોમાં જણાવ્યું કે, તમે ઢોર નિયંત્રણ નીતિની ચોક્કસપણે અમલવારી કરો પરંતુ નીતિના અભાવે નિર્દોષ ગાયો-પશુધનના મૃત્યુ થવા ના જોઇએ. જો આ પ્રકારે નિર્દોષ ગાયો કે પશુધનના મૃત્યુ થાય તો ભગવાન પણ આપણને માફ્ નહી કરે. આ સમગ્ર મામલે રાજય સરકાર, નડિયાદ કલેકટર અને પોલીસ વડા સહિતના સંબંધિત સત્તાવાળાઓ પાસેથી વિગતવાર રિપોર્ટ આવતીકાલ સુધીમાં હાઈકોર્ટે માંગ્યો છે.
હાઇકોર્ટે ઢોરવાડાઓમાં કેટલા પશુ રાખવાની ક્ષમતા છે, તેઓને રાખવાની કયા પ્રકારની સુવિધા છે, તેઓની કાળજી અને પૂરતી તકેદારી લેવાય છે કેમ…? તેઓને યોગ્ય સારવાર અને ખોરાકની વ્યવસ્થા અપાય છે કે કેમ તે સહિતની ઝીણામાં ઝીણી બાબતો સાથેનો રિપોર્ટ રજૂ કરવા સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું કે, નીતિની અમલવારી થકી માનવજીવનની સુરક્ષાની સાથે સાથે નિર્દોષ ગાયો અને પશુધનની સુરક્ષા અને સલામતી પણ એટલી જ જરૂરી છે. ઢોર નિયંત્રણ નીતિના ઓથા હેઠળ કોઇ નિર્દોષ પશુધન મરે તે ચાલે નહી. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાના નિવારણ માટે તમે નવી નીતિનો ચુસ્તપણે અને કડકાઇથી ભલે અમલ કરો પરંતુ સાથે સાથે નિર્દોષ ગાયો અને પશુધનની યોગ્ય રીતે કાળજી રાખો. અમદાવાદના ઢોરવાડાઓમાં આ પ્રકારની ઘટનાઓને લઇ અદાલતનું ધ્યાન દોરાયું હતું, તે અંગેના ફેટા પણ કોર્ટના રેકર્ડ પર રજૂ થયા હતા. હાઇકોર્ટે આ સમગ્ર મામલાને બહુ જ ગંભીર ગણાવ્યો હતો અને તેનું તાત્કાલિક હીયરીંગ કરવાનું જણાવ્યું હતું.


