દેવદત્ત નામનો એક વણિક-વાણિયો હતો. એ પોતે તો મથુરા નગરીના ઉત્તર ભાગમાં રહેતો હતો, પણ કમાવા માટે એને દક્ષિણ મથુરામાં જવું પડેલું. દેવદત્ત દક્ષિણ મથુરામાં રહેતો અને ધંધો કરતો. દેવદત્તને જયસિંહ નામનો મિત્ર મળ્યો. એ બેયની મૈત્રી અસાધારણ હતી. એકબીજાના ઘેર આવવા-જવાનું વધવા લાગ્યું.
જયસિંહની એક બહેન હતી. એનું નામ અર્ણિકા. ઉંમરલાયક દીકરા-દીકરી માટે આપણે ત્યાં સૌથી મોટી ચિંતા રહેતી હોય છે એના માટે `યોગ્ય’ પાત્ર શોધવાની. જ્યારે પાત્ર સામે ચઢીને આપણા ઘેર આવતું હોય તો એનો અસ્વીકાર કરનારને ગાંડો જ ગણવો પડે. જયસિંહે વિચાર કર્યો, બહેન માટે દેવદત્ત બધી રીતે યોગ્ય છે. શ્રેષ્ઠ મુહૂર્તમાં એ બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યાં. એમના પ્રેમના પરિપાક સ્વરૂપે એક બાળક થયું. એનું નામ એમણે `સંધિરણ’ રાખેલું, પણ બધા એને અર્ણિકા પુત્ર કહીને જ બોલાવતા.
ઉત્તર મથુરાથી સમાચાર આવ્યા માતા-પિતા વયોવૃદ્ધ છે. એમનાથી હવે ઘરનાં કામો સંભાળી શકાતાં નથી, તો તમે આવો આપણે સાથે રહીએ તો સારું. દેવદત્ત પત્ની અને પુત્રને લઈને ઉત્તર મથુરા પોતાના પિતાની સાથે રહેવા ચાલ્યો ગયો.
આચાર્ય જયસિંહ સૂરિજીનું નામ એ સમયે પ્રસિદ્ધ હતું. ઉત્તર મથુરામાં એમનો ચાતુર્માસ હતો. અર્ણિકા પુત્ર માતા-પિતાની સાથે રોજ પ્રવચન શ્રવણ કરવા જતો. એમની સેવા શુશ્રૂષા કરતો. એમની દીનચર્યા જોતો. એમ કરતાં એને સાધુજીવન ગમી ગયું. મારે પણ એમના જેવું થવું છે. મારે પણ દીક્ષા લેવી છે એવો એને ભાવ થયો. માતા-પિતાની અનુજ્ઞા લઈને એણે પણ દીક્ષા લીધી. નામ તો એનું અર્ણિકા પુત્ર મુનિ જ રહ્યું. ગુરુની પાસે રહીને વ્યવસ્થિત શિક્ષા મેળવીને વિદ્વાન થયો. ગુરુએ શાસન અને સમુદાયનો ભાર એના માથે મૂક્યો. આરાધના સાધના કરતાં એમનો આત્મા પરલોક પ્રયાણ કરી ગયો.
અર્ણિકા પુત્ર આચાર્ય ભગવંત પોતાના શિષ્યો સાથે દેશ-વિદેશમાં ઉપદેશ આપતા વિચરી રહ્યા છે. આમ વિચરતા એકવાર પુષ્પભદ્રપુર નામના નગરમાં પધાર્યા છે. આચાર્ય ભગવંતને વંદન કરવા નગરજનો આવે છે. આ નગરમાં એક વિચિત્ર ઘટના બનેલી. એ નગરના રાજા પુષ્પચૂલ અને રાણી પુષ્પચૂલા હતાં. એક જ માતા-પિતાના એ બેય પુત્ર-પુત્રી હતાં. બંને ભાઈ-બહેન વચ્ચે અત્યંત પ્રેમ હતો. બંને એકબીજા વગર રહી શકશે નહીં એવું જાણીને પિતાએ એ બંનેનાં લગ્ન કરાવી દીધાં. જોકે, માતાને આ ગમેલું નહીં, પણ રાજા સામે રાણી વધારે બોલી શકેલાં નહીં, પણ મનમાં આ વાત તો પાકી થઈ ગયેલી કે જે કંઈ પણ બન્યું છે એ સારું નથી થયું.
આવા ને આવા વિચારોમાં એ દેવલોકમાં ગયાં.હવે બન્યું એવું કે આ રાજા-રાણી ગુરુદેવનાં દર્શન વંદન અને પ્રવચન શ્રવણ કરવા નિયમિત જાય. પુષ્પચૂલાના મનમાં થોડો ભાવ જાગ્યો. તેના મનમાં પણ આ વિચાર તો ફરક્યા કરતો કે ભાઈ-બહેનનાં લગ્ન થાય એ બરાબર નથી. એમાં પછી બીજી ઘટના એ બની કે એમની માતા મરીને દેવલોકમાં ગયેલાં. દેવલોકમાં ગયા પછી પોતાના મનુષ્યભવનાં સંતાનોને જોયાં. હવે એ પુષ્પચૂલાને સ્વપ્નમાં આવીને સમજાવે કે આ પાપ હવે અટકાવી દે. ગમે તે કર પણ આ સંબંધને અટકાવવાનો વિચાર કર.
એ દરમિયાન આચાર્ય ભગવંત પધાર્યા. પુષ્પચૂલાએ પતિ-ભાઈને રિક્વેસ્ટ કરી મારે દીક્ષા લેવી છે. એણે તો સ્પષ્ટ ના જ પાડી દીધી. માણસ પોતાના ગંતવ્યમાં ચોક્કસ હોય ત્યારે કંઈ પણ માર્ગ કાઢ્યા સિવાય રહે નહીં.
ગુરુદેવ પોતાના પ્રવચનમાં વૈરાગ્ય વાણીનો ધોધ વહાવે છે. રાજા-રાણી બેય પ્રવચન સાંભળે છે. મનથી સાંભળતા હોઈએ ત્યારે વિચારો પણ આવે. આપણું વર્તન સામાન્ય પ્રવાહ કરતાં અલગ હોય ત્યારે સરખામણી કરવાનું પણ મન થાય.
રાજા-રાણી પુષ્પચૂલ અને પુષ્પચૂલા પોતાના અતીતને યાદ કરે છે. ભલે પિતાએ આપણાં લગ્ન કરાવ્યાં હોય, પણ આપણા માટે આ યોગ્ય છે? કદાચ આપણે પરસ્પરના રાગના કારણે લગ્ન કરવાની ભૂલ કરી દીધી તો હવે જ્યારે સમજ આવી છે તો આ ભૂલને સુધારવી જ જોઈએ? શું આ ભૂલને આગળ ચલાવવાની? બેય જણા વાતો કરી રહ્યાં છે. આપણે શું કરવું જોઈએ? આપણા માટે સાચો રસ્તો તો એક જ છે, સંસાર ત્યાગ. તો જ આપણે એમાંથી છૂટી શકીએ. તારી વાત સાચી છે પણ મારાથી સંયમ જીવનનો સ્વીકાર થઈ શકે એમ નથી. એટલે તું મારો આગ્રહ કરીશ નહીં.
કંઈ વાંધો નહીં, તમે મને તો રજા આપો. પુષ્પચૂલાએ પોતાના અંતરની વાત આગળ વધારી.
રજા આપું? રજા તો આપું, પણ તારે આ જ ગામમાં રહેવાનું. ભલે તું દીક્ષા લે, પણ મારું મન થાય ત્યારે તારા દર્શન કરવા તો આવી શકું ને! રાજા થોડા પીગળે છે.
કંઈ વાંધો નહીં, આપ ગુરુદેવને વાત કરો. આપની વાત એ ચોક્કસ વિચારશે.
બંને ગુરુદેવ પાસે ગયાં. રાજાએ કહ્યું, `પુષ્પચૂલા આપની પાસે દીક્ષા લેવાની ભાવના કરે છે.’
સરસ, અસાર સંસારના ત્યાગની ભાવના વૈરાગ્ય વગર જાગતી નથી. વૈરાગ્ય વગર સંચારના સાચા સ્વરૂપનો બોધ થતો નથી. મહારાણીને વૈરાગ્ય જાગે એ શુભસૂચક છે.
મારી એક વિનંતી છે પ્રભુ, આટલું કહીને ગુરુદેવના ચહેરાના ભાવો જોવા રાજા થોભ્યો.
આચાર્ય ભગવંતે સૂચક ભાવે રાજા સામે નજર કરી. રાજાએ આગળ ચલાવ્યું. મારી વિનંતી એવી છે કે દીક્ષા પછી આ જ પુષ્પભદ્ર નગરમાં રહે.
કોઈ પણ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે એ પછી એમને વિહાર માટે દેશ-વિદેશમાં ફરવાનું હોય છે. એક જ ગામમાં રહેવાથી જગ્યાનો રાગ થાય. વ્યક્તિનો રાગ મમત્વ જાગે એ સંયમ જીવન માટે સારું ગણાય નહીં અને આવો નિયમ હોય છે. ગુરુદેવે આ વાત રાજા પુષ્પચૂલને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
એટલા માટે આપને હું આ રીતની વિનંતી કરું છું.
આચાર્ય ભગવંત એક ક્ષણ વિચાર કરે છે. કેટલીક વખત હિતાહિતનો વિચાર કરીને આચાર્ય ભગવંતો નિર્ણય લેતા હોય છે. અર્ણિકાપુત્ર આચાર્ય ભગવંતે વિનંતિનો સ્વીકાર કર્યો. પુષ્પચૂલાને દીક્ષા આપી. સાધ્વીજી પુષ્પચૂલા એ જ નગરમાં રહે છે. આરાધનામાં પોતાનો સમય પસાર કરે છે.
સમય એની અસ્ખલિત ગતિથી વહેતો જાય છે. એક સમયની વાત છે, રાતે આકાશ તરફ આચાર્ય ભગવંતની નજર પડી. ગ્રહો-નક્ષત્રોના સંયોગોને જોતાં એમને જણાયું અહીં દુષ્કાળ પડવાની શક્યતા દેખાય છે. એમણે પોતાના શિષ્યોને પુષ્પભદ્ર નગર છોડીને બીજા સ્થાને જવાનો આદેશ કરી દીધો. આચાર્ય ભગવંત એકલા જ નગરમાં રહ્યા છે, કારણ કે એમના પગ હવે કામ કરતા નથી.
એક ટાઈમ ગોચરી વાપરવાની હોય તો પુષ્પચૂલા સાધ્વીજી એમને લાવી આપતાં. જોકે, સામાન્ય નિયમ એવો હોય છે કે સાધ્વીજી લાવે તો ચાલે નહીં, પણ આ એક અપવાદ ગણાય. આચાર્ય ભગવંત શારીરિક પ્રતિકૂળતાના કારણે એમની લાવેલી ગોચરી ચલાવી લેતા.
એક દિવસ મધ્યાહ્નનો સમય થયો છે. વરસાદ વરસી રહ્યો છે. એવા સમયે વરસતા વરસાદમાં સાધ્વીજી ગોચરી લઈને આવ્યાં. આચાર્ય ભગવંત નારાજ થઈ રહ્યા છે. એમની વાત પણ સાચી છે. એક દોષનું સેવન તો કરું જ છું. હવે આજે બીજો દોષ. સાધુ-સાધ્વીજી વરસાદમાં ચાલી શકે નહીં એટલે એમણે સાધ્વીજીને ઠપકાના સૂરમાં કહ્યું. એક દોષને તો મારે સ્વીકારવો જ પડેલો છે. આજે વરસાદમાં ગોચરી-પાણી ન લાવ્યાં હોત તો મને કંઈ થઈ ન જાત.
સાધ્વીજી કહે છે, વરસાદનો દોષ ન લાગે એની સાવધાનીપૂર્વક લાવી છું, એટલે જ જે પાણી નિર્જીવ પડી રહેલું એવી જગ્યાએથી લાવી છું.
તમને એની ખબર કેવી રીતે પડી? જ્ઞાનથી
કેવા જ્ઞાનથી? એના જવાબમાં સાધ્વીજીએ કહ્યું, શાશ્વત જ્ઞાનથી એટલે શું તમને કેવલજ્ઞાન થયેલું છે.
આપની કૃપાથી. હવે આચાર્ય ભગવંત ઊભા થયા અને એમની ક્ષમાયાચના કરે છે. મેં કેવલજ્ઞાનીની આશાતના કરી. પશ્ચાત્તાપ કરે છે.
એ પૂછે છે મને કેવી રીતે કેવલજ્ઞાન મળશે?
સાધ્વીજી કહે છે, ગંગા નદી ઊતરતાં થશે, પણ આપને ઉપસર્ગ નડવાનો છે.
જો મને કેવલજ્ઞાન મળવાનું હોય તો ઉપસર્ગ સહન કરવામાં મને કોઈ વાંધો નથી.
ઊભા થયા – ચલાતું નથી, પણ ચાલ્યા. અંતરમાં એક જ વાત છે, કેવલજ્ઞાની બનવું છે. એ તો ચાલ્યા. ગંગા નદી પાર કરવા નાવમાં બેઠા. નાવ ચાલી. પૂર્વ ભવની એમની પત્ની, નારાજ થયેલી એ વ્યંતર દેવ થયેલી હતી.
એણે આવીને આચાર્ય ભગવંત જ્યાં બેસે એ જગ્યાને નમાવે. આચાર્ય ભગવંત જગ્યા બદલે એટલે એ તરફ આવી નાવને નમાવે. એ વચ્ચે જઈને બેઠા તો નાવને ડુબાડવાની કોશિશ કરી. એમાં શું થયું? કંઈ ખબર ન પડી આચાર્ય ભગવંત નાવમાંથી ઉછળ્યા ગંગા નદીમાં પડ્યા. નદીની અંદર એક કોઈ તીક્ષ્ણ પદાર્થ ઉપર એમનું શરીર આવી ગયું. શરીરમાંથી લોહી નીકળે છે એ સમયે શુભ ભાવોમાં રહે છે. એ શુભ ભાવોની ધારાને કારણે એમને કેવલજ્ઞાન થાય છે અને તરત જ મોક્ષમાં પધારે છે.
આપણે પણ શુભ ભાવોની ધારામાં આવીને આપણા નવા વર્ષ અને ભવિષ્યને સુધારવા પ્રયત્ન કરીએ એ જ શુભાભિલાષા