દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ એલોન મસ્કની સંપત્તિમાં એટલો ઉછાળો આવ્યો છે કે તેઓ હવે ભારત જેવા વિશાળ દેશના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ અમીર બની ગયા છે. ફોર્બ્સના રીઅલ-ટાઈમ ડેટા મુજબ એલોન મસ્કની નેટવર્થ 754.3 અબજ ડોલર (અંદાજે 67 લાખ કરોડ રૂપિયા)થી વધુ થઈ ગઈ છે. આ આંકડો વટાવનારા તેઓ વિશ્વના પ્રથમ વ્યક્તિ છે.
ભારતના બજેટ અને અંબાણી કરતા અનેકગણી સંપત્તિ
એલોન મસ્કની સંપત્તિની સરખામણી કરીએ તો તે આશ્ચર્યજનક છે. નાણાકીય વર્ષ 2026 માટે ભારતનું અંદાજિત બજેટ 50.65 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે મસ્કની સંપત્તિ 67 લાખ કરોડ રૂપિયા છે. તેમજ એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણી (114 અબજ ડોલર) કરતા મસ્કની સંપત્તિ લગભગ 7 ગણી વધારે છે. મસ્કની કુલ સંપત્તિ યુરોપના સમૃદ્ધ દેશ આયર્લેન્ડની GDP (750.11 અબજ ડોલર) કરતા પણ વધી ગઈ છે.
છ દિગ્ગજ કંપનીઓના માલિક
એલોન મસ્ક માત્ર એક જ વ્યવસાય પર નિર્ભર નથી, તેઓ છ મુખ્ય કંપનીઓના સહ-સ્થાપક કે માલિક છે. જેમાં, 1. ટેસ્લા (Tesla): ઈલેક્ટ્રિક કાર માર્કેટની અગ્રણી કંપની, 2. સ્પેસએક્સ (SpaceX): ખાનગી રોકેટ નિર્માતા કંપની, જેનું મૂલ્ય 800 અબજ ડોલર છે, 3. xAI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ, 4. X (ટ્વિટર): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, 5. ન્યુરાલિંક (Neuralink): બ્રેઈન ઈમ્પ્લાન્ટ કંપની, 6. ધ બોરિંગ કંપની (The Boring Company): ટનલ નિર્માણ કરતી કંપની.
નિષ્ણાતો શું માને છે?
નિષ્ણાતોનું માનવું છે કે જો આ જ ઝડપે મસ્કની સંપત્તિ વધતી રહી, તો તેઓ ટૂંક સમયમાં વિશ્વના પ્રથમ ‘ટ્રિલિયોનેર’ (એક લાખ કરોડ ડોલરની સંપત્તિના માલિક) બની શકે છે.


