- શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે
- સુશિક્ષિત હોવું જરૂરી નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી
- સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલનું પ્રવચન
શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરુરી છે. પદવીધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં જ્ઞાન ઉપાર્જનમાં ક્યારેય આળસ કરવી ન જોઈએ. સુશિક્ષિત હોવું જરૂરી નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. વિશ્વમાં શાંતિનો ભંગ કરનાર આતંકવાદી ઓસામા બિન લાદેન પણ ઉચ્ચ ડિગ્રી ધરાવતો હતો. છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો હતો. સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા 55મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિક્ષાત પ્રવચનમાં યુવા છાત્રોને કોલજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે નહિ પણ લોક કલ્યાણ અને રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગી થવું જોઈએ.
પદવીદાન સમારોહમાં 12 વિદ્યાશાખાના 96 અભ્યાસક્રમમાં 17,375 વિદ્યાર્થીઓને મેડલ અને પદવી આપવામાં આવી હતી. આ ઉપરાંત પીએચડીના 81 તેમજ એમફિલના 4 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષણનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે હકારાત્મક વિચારો અને ઉર્જા આપે તે વિદ્યા છે, ઉચાટ આપે તે વિદ્યા હોતી નથી. સદભાવના, સભ્યતા, સમાજ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતાના ગુણો શિક્ષણ આપે છે. નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીની સિધ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે નર્મદ યુનિવર્સિટી એકેડેમિક બેન્ક ક્રેડિટ આઈડી બનાવવામાં અને વધુ ક્રેડિટ મેળવવામાં મામલે દેશમાં પ્રથમ ક્રમે છે.
એક કોલેજના પ્રોફેસરને મરણોપરાંત પીએચ.ડીની ડિગ્રી
બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ મોહિત પટેલને મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજયપાલના હસ્તે આ પદવી તેમના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી. વર્ષ 2020માં કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તેઓ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા હતા અને 2020માં બ્રેઈનસ્ટ્રોકના કારણે તેમનું મોત થયું હતું.


