શિવ તત્ત્વને અનેક પ્રકારે જોઈ શકાય છે. ઋગ્વેદનો એક મંત્ર છે, એમાં પાઠાંતર છે. એના બે પ્રકારના પાઠ મળે છે. એક પાઠમાં `રુદ્ર’ શબ્દ આવે છે અને બીજા પાઠમાં `ઈન્દ્ર’ શબ્દ આવે છે. મોટા ભાગે `ઈન્દ્ર’ શબ્દ પ્રયોજાયો છે. મહામુનિ વિનોબાજીએ પણ `ઈન્દ્ર’વાળો પાઠ સ્વીકાર્યો છે. ગુરુકૃપાથી વેદનું મેં દર્શન કર્યું છે એમાં `ઈન્દ્ર’ શબ્દ બહુધા બ્રહ્મ, ઈશ્વર, શિવ તત્ત્વપરક જ આવ્યો છે.
ઈન્દ્ર એટલે કે ત્યાં સ્વાર્થી એવો દેવરાજ ઈન્દ્ર નથી. તુલસીદાસજીએ દેવરાજ ઈન્દ્રને કપટી અને સ્વાર્થી દર્શાવીને બહુ જ ફટકાર્યો છે! વેદના ઈન્દ્ર બ્રહ્મ પર્યાય છે, ઈશ્વર પર્યાય છે, પરમાત્મા પર્યાય છે, રુદ્ર પર્યાય છે, એટલે `રુદ્ર’ પાઠ મળે તો પણ ચિંતા નથી. રુદ્ર ઈન્દ્ર છે.
મારા મત મુજબ શિવની સૃષ્ટિમાં સઘળું છે. શિવથી બહાર કશું નથી. બ્રહ્મ હોવાના નાતે એમની સૃષ્ટિમાં બધું જ મળશે. `રુદ્ર શ્રેષ્ઠાનિ.’ `રુદ્ર’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું અને `ઈન્દ્ર’ શબ્દનો પણ પ્રયોગ કરું. હું એ `ઈન્દ્ર’નો પાઠ પણ સ્વીકારું છું, કેમ કે આપણા પૂર્વસૂરિઓએ એ જ પાઠ સ્વીકાર્યો છે, એટલે મારી દૃષ્ટિએ એ વધારે પ્રમાણિત માની શકાય. તો શિવ સમસ્ત છે. પછી `રુદ્ર’ પાઠ હોય કે `ઈન્દ્ર’ પાઠ હોય.
ઈન્દ્ર શ્રેષ્ઠાનિ દ્રવિણાનિ
ધેહિ ચિત્તિં દક્ષસ્ય સુભગત્વમસ્મે.
પોષં રયીણામરિષ્ટિં તનૂનાં
સ્વાદ્મમાનં વાચ: સુદિનત્વમહ્મામ્.
શિવ સમસ્ત છે, શિવ જ ઈન્દ્ર છે, કારણ કે બ્રહ્મ છે. વેદસ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે. મનીષીઓએ એનું ભાષ્ય કર્યું છે. હે ભગવાન, હે પરમાત્મા, હે સદાશિવ, હે રુદ્ર, જે અમને દ્રવ્ય તો આપે છે, ધન તો આપે છે, પરંતુ શ્રેષ્ઠ દ્રવ્ય આપનારા અમને શ્રેષ્ઠ ધન આપો. વિપુલ માત્રામાં નિકૃષ્ટ ધન ન આપશો. તો શિવ દિગંબર હોવા છતાં એ દેનારા છે. શ્રેષ્ઠ દેનારા મહાદેવ છે.
ભગવાન શિવ પાસે બીજી માંગ કરવામાં આવી છે કે `ચિતિં દક્ષસ્ય’ એટલે કે સજ્જન લોકો જેવું ચિંતન અમને આપો, દુર્જનનું ચિંતન નહીં. સજ્જનો જેવું ચિંતન કરે છે, એવી વિચારધારા અમને પ્રાપ્ત થાય. વૈશ્વિક વિચારધારા પ્રાપ્ત થાય, એવી માંગ શિવ પાસે કરવામાં આવી છે. `સુભગત્વમસ્મે’, આચાર્યોએ એનો મતલબ એવો કર્યો છે કે અમારું સૌભાગ્ય વધારો. અમને ભાગ્યવાન બનાવો. અમે દુર્ભાગી ન રહીએ. અમને ભાગ્યવાન બનાવો એવી શિવ પાસે માંગ કરવામાં આવી. `પોષમ્.’ અમારું પોષણ કરો. દુનિયા અમારું શોષણ કરે છે, એટલે હે સદાશિવ, અમારું પોષણ કરો. અમારું આનંદવર્ધન કરો. અમારો આનંદ અખંડ રહે, ક્ષણિક ન હોય એવી કૃપા કરો. `તનુનામ્’, વેદના ઋષિ આગળ કહે છે કે, અમારા શરીરને સુદૃઢ બનાવો. અમારું શરીર નીરોગી રહે, સ્વસ્થ રહે, જેથી અમે સાધના કરી શકીએ, જપ કરી શકીએ. અમે બીજાના ઉપયોગમાં આવી શકીએ. અમને એવો દેહ મળે. `વાચ:.’ અમને મધુર વાણી આપો.
તો હે શિવ, ભોલેબાબા, અમે તારી સ્તુતિ કરીએ છીએ. `માનસ’ના શિવ કેવા છે?
અગુન અમાન માતુ પિતુ હીના,
ઉદાસીન સબ સંસય છીના.
હિમાલયને ઘેર પુત્રીનો જન્મ થયો. નારદજી આવે છે. પાર્વતીજીનો હાથ જોઈને પહેલાં એમણે પાર્વતીનાં બધાં શુભ લક્ષણો બતાવ્યાં, પછી કહે છે કે હવે બે-ચાર અવગુણ બતાવું. અવગુણ એટલે કે હસ્તરેખાના દોષ બતાવું. નારદ કહે છે કે અહીં જે જે દોષ બતાવવામાં આવ્યા છે એ શિવમાં છે અને અને શિવમાં હોવાને કારણે દૂષણ પણ ભૂષણ બની જાય છે. નારદ કહે છે કે તમારી પુત્રીને જે વર મળશે એ અગુણ હશે. અવગુણ દોષ છે, અગુણ દોષ નથી. અગુણનો અર્થ છે ગુણાતીત. સત્ત્વ, રજસ, તમસ્થી મુક્ત એવી વ્યક્તિ તમારી પુત્રીને મળશે. શંકર ત્રિગુણાતીત છે.
બીજું લક્ષણ શિવ અમાની છે. પરમાત્માનું એ લક્ષણ છે, શ્રેષ્ઠોનું એ લક્ષણ છે. એમને માન-અપમાન સ્પર્શતાં નથી. ત્રીજું, `માતુ પિતુ હીના.’ શિવને મા-બાપ નથી. એ અજન્મા છે. ત્રીજો ગુણ છે, અજન્મા. ચોથો ગુણ બતાવાયો ઉદાસીન, શંકર ઉદાસ નથી, ઉદાસીન છે. ઉદાસીનનો અર્થ થાય છે, એક જ લેવલ પર રહેવું. સૌથી પર રહેવું. જે માન-અપમાનથી પર થઈ જાય, સુખ-દુ:ખથી પર થઈ જાય, શીતોષ્ણથી પર થઈ જાય, તિરસ્કાર-પુરસ્કારથી પર થઈ જાય એ
ઉદાસીન છે.
પાંચમું લક્ષણ, `સબ સંસય છીના.’ સંશય છીનવવાનો એક અર્થ થાય છે કે કોઈ પણ વાત પર સંશય ન રહે. વિશ્વાસમાં ક્યારેય સંશય હોતો જ નથી. આપની પુત્રીને એવો પતિ મળશે જે જોગી હશે. જોગી તો અપભ્રંશ છે. મૂલત: યોગી છે. શંકર યોગેશ્વર છે. યોગ બે પ્રકારના છે. એક પતંજલિનો રાજયોગ અને બીજો `ભગવદ્ગીતા’નો ભક્તિયોગ. શંકરમાં પતંજલિનો રાજયોગ પણ છે અને શંકરમાં ભગવદ્ભક્તિ પણ છે. શંકર ભક્તિયોગી છે. આપની પુત્રી કૃતકૃત્ય થઈ જશે. આપની પુત્રીનો પતિ જટિલ હશે. જટા, જૂટ, ચંદ્ર, ભાલ. દુલ્હાની જે સ્વાભાવિક શોભા હોય છે એ શોભાનું વર્ણન છે. `જટા મુકુટ અહિ મોર સંવારા.’ ભગવાન શંકર જટામાં જ સુંદર લાગે છે. એ એમનો શણગાર છે.
સૌની પોતાની સહજ શોભા હોય છે. મહાદેવનો સહજ સ્વભાવ છે. આપની પુત્રીને જે પતિ મળશે એ અકામ હશે. એનો મતલબ કે ભગવાન શંકર નિષ્કામ છે. જેમના મનમાં કોઈ કામનાનો કીડો નથી ઘૂમતો એવો પતિ મળશે. જેમનો દેહ નગ્ન છે એવો વર તમારી પુત્રીને મળશે. શંકર બિલકુલ દિગંબર છે. તમારી પુત્રીને જે વર મળશે એ નિર્વસ્ત્ર હશે. વસ્ત્રનો એક અર્થ વસન થાય છે. નિર્વસનનો બે અર્થ થાય છે. એક તો વસ્ત્રમુક્ત છે અને બીજું નિર્વસન એટલે જેમનામાં કોઈ વાસના નથી અથવા તો દિગંબરનો અર્થ છે કે જે આવરણને ભેદી ચૂક્યો છે, કોઈ પડદામાં રહેનારો નથી. એમનું જીવન આરપારનું હશે. અહીં કેવળ વસ્ત્રથી શરીર ઢાંકવાની વાત નથી. દસમો ગુણ, અમંગલ વેશ. ઉપરથી જુઓ તો શંકર અમંગલ દેખાય છે. સાપ ધારણ કરે છે. અહીં સંકેત છે કે એને ગુણ સમજવો. નારદજી કહે છે, સમજી લેજે પુત્રી, જે સાપને ગળે લગાવી શકે છે, એ ક્યારેય તારો ત્યાગ નહીં કરે. જે વિષને કંઠમાં રાખે છે, એ તને ગળે લગાવી રાખશે.