રાજકોટના કોઠારીયા, જેતપુરના ખીરસરા, ભાવનગર, મોરબી, જૂનાગઢ, વડોદરા, નવસારી, અમદાવાદમાં ઇવીએમઓ બદલવા પડયા
રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે લોકસભાના ત્રીજા ચરણનું મતદાન થયું હતું. સવારથી જ લોકોમાં મતદાનને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે મતદાન શરૂ થતાંની સાથે જ ઇવીએમમાં ઘણી જગ્યાએ ક્ષતિઓ સામે આવી હતી. ઇવીએમમાં ખોટ સર્જાતા થોડીવાર માટે મતદાન રોકી દેવામાં આવ્યું હતું અને ઇવીએમ તાત્કાલીક બદલાવવામાં આવ્યા હતાં. રાજકોટ, ભાવનગર, અમદાવાદ, નવસારી, મોરબી, જૂનાગઢ, વડોદરામાં ઇવીએમ ખોટવાયા હતા.
રાજકોટમાં સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયું હતું. રાજકોટના કોઠારીયા સોલવન્ટ ખાતે આવેલ બુથમાં ઇવીએમ મશીન ખોટવાયું હતું. તેમજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા, ગામે પણ ઇવીએમ બગડી ગયાની ફરિયાદ મળી હતી.
ભાવનગરમાં સરદારનગર બુથ નંબર 166માં EVM ખોટવાયું છે. EVM ખોટકાતા મતદારોને હાલાકી પડી રહી છે. ભાવનગરમાં બૂથ નંબર 225 પર એક સાથે બે EVM મશીનો ખોટકાઇ ગયા હતા, મિલિટરી સોસાયટીમાં બૂથ નં-225 પર બે EVM પડ્યા બંધ હતા, જેના કારણે અહીં છેલ્લી 30 મિનિટથી મતદાન અટક્યુ હતુ. જુનાગઢમાં પ્રાથમિક શાળા નં-4માં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામી સર્જાતા EVM મશીન બદલવામાં આવ્યુ હતુ, અચાનક મશીન ખોટકાતા મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ. મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, જેના કારણે મતદાન અટક્યું હતુ. સુરેન્દ્રનગરની શાળા નં 13માં EVM ખોટવાયું છે. તથા બીયુ નામની એરર આવતાં મતદાન ઠપ્પ થયુ છે. 5 મતો બાદ મશીન બંધ થતાં મતાદારો મુંઝાયા છે.
નવસારીમાં વોર્ડ નં 2, 13ના મતદાન મથકમાં EVM ખોટકાયા છે. તેમજ ટાટા બોઇઝ સ્કૂલના મતદાન મથકમાં EVM બંધ છે. તેમજ વોર્ડ નંબર 13માં 5 વોટ પડ્યા બાદ EVM ખોટકાયું છે. તેમજ વહેલી સવારે પહોંચેલા મતદારો હેરાન થયા છે. સવાર સવારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મતવિસ્તારમાં જ EVM મશીન ખોટકાયુ હતુ, નવસારીમાં મતદાન મથક નંબર-86 પર EVM ખોટવાયું હતુ. EVM બંધ થતા MLA રાકેશ દેસાઈ પરત ફર્યા હતા. બાદમાં EVM બદલવાની પ્રક્રિયા અને કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરાઇ હતી. વડોદરાના સાવલીના કરચીયા ગામમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, અહીં બે મતદાન મથક પૈકી 1 નંબરના બૂથ પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામીના કારણે EVM મશીન બદલવું પડ્યું હતુ.
અમદાવાદમાં મતદાન શરુ થતાં જ EVM ખોટવાયું છે. જમાલપુર ખાડિયા વિધાનસભા, આસ્ટોડિયા ચકલામાં આ ઉપરાંત નરોડા વિધાનસભામાં પણ EVM ખોટવાયું હતું.


