- મંડલ આયોગના રિપોર્ટ પર રાજીવ ગાંધીની ટિપ્પણી મુદ્દે કોંગ્રેસને ઝાટકી
- ભાજપએ લોકસભા સાંસદોને 8મીએ ગૃહમાં હાજર રહેવાનો વ્હિપ જારી કર્યો
- લોકસભામાં વિપક્ષી સાંસદોએ હવાઈભાડાંમાં અક્ષમ્ય વધારા અંગે ચિંતા દર્શાવી
લોકસભામાં વિપક્ષી સાંસદોએ હવાઈભાડાંમાં અક્ષમ્ય વધારા અંગે ચિંતા દર્શાવી હતી. તેમણે આ માટે નિયમનકારી વ્યવસ્થા ગોઠવવા અને ભાડાંને અંકુશિત રાખવા માગણી કરી હતી. બીજી તરફ ભાજપનાં ધર્મબીર સિંહે લિવ-ઈન રિલેશનશિપ પર પ્રતિબંધ મૂકવા અને આ માટે ખાસ કાયદો ઘડવા માગણી કરી હતી. ભાજપએ લોકસભામાં તેના સાંસદોને 8મીએ શુક્રવારે ગૃહમાં હાજર રહેવા વ્હિપ જારી કર્યો હતો. પાર્ટી દ્વારા શુક્રવારે કેટલાક મહત્ત્વનાં બિલ પર ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવે તેવી સંભાવના છે. મંડલ આયોગના રિપોર્ટનો વિરોધ કરવાના મામલે રાજીવ ગાંધીએ તે વખતે લોકસભામાં ટિપ્પણી કરી હતી કે આવા નિર્ણયો લેવાથી આપણે જાતિમુક્ત સમાજ બનાવી શકીશું નહીં. જો આપણે તેવું કરવું હોય તો ફરી જાતિવાદી સમીકરણોથી બચવું પડશે.
લોકસભા સ્પીકરે કેટલાક સાંસદોનાં રાજીનામાં સ્વીકાર્યાં
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા કેટલાક સાંસદોનાં રાજીનામાં સ્વીકાર્યા હતાં. જેમાં કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ પટેલ અને નરેન્દ્રસિંહ તોમરનો સમાવેશ થાય છે. રાજસ્થાનનાં દિયા કુમારી, રાજ્યવર્ધનસિંહ રાઠૌર અને છત્તીસગઢનાં અરુણ સાવ, ગોમતી સાઈએ પણ રાજીનામાં આપ્યાં હતાં.
સરકાર PoK ક્યારે પાછું લાવશે તે જણાવે : અધીર રંજન
કોંગ્રેસનાં અધીર રંજન ચૌધરીએ કલમ 370 અને કાશ્મીર મુદ્દે આખો દિવસ સંસદમાં ચર્ચાની માગણી કરી હતી. રંજને કહ્યું હતું કે 2019માં જ્યારે 370 રદ કરાઈ ત્યારે અમિત શાહે એવું કહ્યું હતું કે PoK પાછું લાવવામાં આવશે. ભાજપમાં હિંમત હોય તો તેણે પીઓકે છીનવી લાવે.


