- આલીશાન બંગલામાં મળી આવ્યા હતા પતિ, પત્ની અને દીકરીના મૃતદેહ
- બંગલામાં પરિવારના મૃતદેહોની સાથે એક બંદૂક પણ મળી આવી હતી
- પત્ની અને દીકરીની હત્યા બાદ પતિએ પોતે કરી હતી આત્મહત્યા
અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ભારતીય મૂળના સમૃદ્ધ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ હત્યા કર્યા બાદ આત્મહત્યા કર્યાનો મામલો હોઈ શકે છે. વાસ્તવમાં, મેડિકલ અધિકારીઓએ પોસ્ટમોર્ટમ કર્યા બાદ આ ઘટના પર શંકા વ્યક્ત કરી છે.
57 વર્ષીય રાકેશ કમલ, તેમના 54 વર્ષીય પત્ની ટીના અને 18 વર્ષની પુત્રી એરિયાના 28 ડિસેમ્બરના રોજ લગભગ 7.30 વાગ્યે ડોવરમાં તેમના 50 લાખ ડોલરના વૈભવી બંગલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના બંગલામાં 11 બેડરૂમ અને 13 બાથરૂમ છે. કમલના મૃતદેહ પાસે એક બંદૂક પણ મળી આવી હતી.
આ રીતે થયું હતું મોત
નોરફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ મોરિસસીની કચેરીનું કહેવું છે કે મુખ્ય તબીબી પરીક્ષકની કચેરીએ મૃતદેહોના તપાસની રિપોર્ટ સોંપી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ટીના અને તેની પુત્રી એરિયાનાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તો, રાકેશને પણ ગોળી વાગી છે. તપાસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે ટીના અને પુત્રી એરિયાનાને ગોળી માર્યા બાદ રાકેશે પોતાને ગોળી મારી દીધી હતી.
આવનાર સમયમાં સત્ય બહાર આવશે
ડિસ્ટ્રિક્ટ એટર્નીનું કહેવું છે કે આગામી સપ્તાહે તપાસ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર મામલે સત્ય સામે આવી જશે. હાલ તો, બંદૂકના સંપૂર્ણ ફોરેન્સિક અને બેલિસ્ટિક પરીક્ષણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. રાકેશ પાસેથી મળેલી બંદૂક તેના નામે રજીસ્ટર્ડ નથી. પોલીસે બંદૂકને શોધી કાઢવા માટે બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવનો સંપર્ક કર્યો છે. ડોવર અને મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે. ગયા અઠવાડિયે, ડિસ્ટ્રિક્ટ એટર્નીએ આ ઘટનાને પ્રાથમિક દ્રષ્ટિએ ઘરેલું હિંસા ગણાવી હતી.
બે દિવસથી કોઈએ તેમને જોયા નહોતા
એટર્ની માઇકલે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેમના એક સંબંધીએ તેમના અંગે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો. બે-ત્રણ દિવસથી પરિવારના સભ્યોને કોઈએ જોયા નહોતા. જ્યારે કમલના એક સંબંધી તેના ઘરે પહોંચ્યા તો તેમણે બધાને મૃત જોયા.
ઘટનાની તપાસ કરી રહેલા મોરિસસીએ કહ્યું હતું કે હાલમાં આ પરિવાર વચ્ચે કોઈ વિવાદ કે અન્ય કોઈ મામલો સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ન તો અગાઉનો કોઈ પોલીસ રિપોર્ટ છે કે ન તો બીજી કોઈ વાત સામે આવી છે જેનાથી ખબર પડે કે દંપત્તિએ હત્યા કેમ કરી.
ખૂબ જ સમૃદ્ધ હતો ભારતવંશી પરિવાર
એક રિપોર્ટ અનુસાર કમલ પરિવાર ખૂબ જ સમૃદ્ધ હતો. તે જે આલીશાન બંગલામાં રહેતો હતો તેની કિંમત અંદાજે 54.5 લાખ ડોલર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારે આ હવેલી મેસેચ્યુસેટ્સ સ્થિત વિલ્સનડેલ એસોસિએટ્સ એલએલસીને એક વર્ષ પહેલા 30 લાખ ડોલરમાં વેચી દીધી હતી. દંપતીએ 2019માં 40 લાખ ડોલરમાં 19,000 સ્ક્વેર-ફૂટની પ્રોપર્ટી ખરીદી હતી જેમાં 11 બેડરૂમ હતા.


