- ગુરુવાર અને શુક્રવારે વિદેશમંત્રી જયશંકર નેપાળની મુલાકાતે
- નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરાયું સ્વાગત
- ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની કરશે સહઅધ્યક્ષતા
વિદેશમંત્રી એસ. જયશંકર આજથી નેપાળની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. નેપાળ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નેપાળ મુલાકાતને લઈને વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે તેઓ નેપાળ આવીને ખુશ છે અને દેશમાં પોતાના કાર્યક્રમોને લઈને આશાવાન છે. જયશંકર નેપાળના વિદેશ મંત્રીની સાથે સાતમા નેપાળ – ભારત સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરવા માટે બે દિવસની મુલાકાત માટે ગુરુવારે નેપાળ પહોંચ્યા છે.
ગુરુવાર અને શુક્રવારે થનાર આ બેઠક દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. વર્ષ 2024માં જયશંકરની આ પહેલી વિદેશ યાત્રા છે. જયશંકર નેપાળમાં પોતાના સમકક્ષ નેપાળના વિદેશ મંત્રી એ. પી. સઉદની સાથે ભારત નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહઅધ્યક્ષતા કરશે. સઉદે નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એસ. જયશંકરનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
વિદેશમંત્રીએ નેપાળી સીએમ સાથે કરી મુલાકાત
તો, પોતાના નેપાળ પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે નેપાળના પ્રધાનમંત્રી સી. પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. પીએમ સાથેની મુલાકાતને લઈને વિદેશમંત્રીએ ટ્વિટ પણ કર્યું છે. પોતાના ટ્વિટમાં વિદેશ મંત્રીએ લખ્યું છે કે નેપાળના પ્રધાનમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી. મુલાકાતમાં વડાપ્રધાન મોદીનો સંદેશ પાઠવ્યો. તેમજ ગત મહિને તેમની ભારત મુલાકાતને લઈને પણ ચર્ચા કરવામાં આવી જેના દ્વારા બંને દેશોના સંબંધોમાં ગતિ આવી. તેમજ આજે યોજાનાર સંયુક્ત આયોગની બેઠકની સાથે સાથે અન્ય બેઠકોને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વિદેશ મંત્રીએ વધુમાં લખ્યું કે ભારત અને નેપાળની મિત્રતા ખરેખર ખાસ છે. અમારી ભાગીદારી દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે.


