આપણે શરૂઆતથી જ પૂછીએ છીએ કે શું મન એવી અસાધારણ નિરીક્ષણની દૃષ્ટિ-કોઈ પરિઘ પરથી નહીં, બાહ્મપણે કે કોઈ સરહદ પરથી નહીં, તેમજ તેને મેળવવાનો પ્રયત્ન કર્યા વગર, એવી અસાધારણ નિરીક્ષણ દૃષ્ટિ પ્રાપ્ત કરી શકે? અને તે નિરીક્ષણની દૃષ્ટિને પ્રયત્ન કર્યા વગર પ્રાપ્ત કરવી એ જ તેની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે, કારણ કે તેને સહજપણે, જાણબહાર, આવિર્ભૂત થવા માટે પ્રયત્ન નથી હોતો, અનુભૂતિ નથી હોતી, અનુભવ નથી હોતો; એનું પુષ્પીકરણ થાય, પૂર્ણ વિકાસ થાય, આ કેન્દ્ર પર પહોંચવા માટે સામાન્ય રીતે પહેલેથી જે રીતો અજમાવવામાં આવે છે તે બધી રીતોને નકારવી જોઈએ. આમ, મન ઉચ્ચ કક્ષાએ તીક્ષ્ણ બને છે, ઉચ્ચ કક્ષાએ જાગ્રત બને છે અને પોતાને જાગ્રત રાખવા માટે તેને કોઈ અનુભવની જરૂર રહેતી નથી.
જ્યારે કોઈ ખુદને પૂછે છે, તે તેને શાબ્દિક રીતે પૂછે છે. મોટા ભાગના લોકો માટે સ્વાભાવિકપણે તે શાબ્દિક કે મૌખિક જ હોય છે. આપણને એ સમજ હોવી જોઈએ કે શબ્દ એ `વસ્તુ’ નથી- જે રીતે `વૃક્ષ’ શબ્દ વૃક્ષ નથી. વાસ્તવિક હકીકત તો આપણે તેને સ્પર્શ કરીએ છીએ તે છે, શબ્દ દ્વારા નહીં, પરંતુ જ્યારે આપણે ખરેખર તેના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તે ખરેખર હકીકત છે, તેનો અર્થ એ છે કે લોકોને મંત્રમુગ્ધ કરવાની શક્તિ શબ્દે ગુમાવી દીધી છે. દાખલા તરીકે, ઈશ્વર શબ્દ એટલો બધો ભારણવાળો છે અને એ શબ્દે લોકોને એટલા તો મંત્રમુગ્ધ કરી દીધા છે કે તેઓ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. તે પાંજરામાં પુરાયેલી ખિસકોલીની જેમ કાર્ય કરે છે! તેથી આ શબ્દ અને પ્રતીકને બાજુએ મૂકી દેવાં જોઈએ.
શબ્દો મર્યાદા સર્જે છે
શું શબ્દ વિનાની કોઈ વિચારણા છે? જ્યારે મનમાં શબ્દોની ભરમાર ન હોય ત્યારે જેને આપણે વિચારણા સમજીએ છીએ તેવી વિચારણા નથી હોતી; પરંતુ તે શબ્દ વગરની પ્રવૃત્તિ હોય છે, પ્રક્રિયા વગરની પ્રવૃત્તિ હોય છે; તેથી તેને કોઈ સીમા કે સરહદ નથી હોતી, શબ્દ સીમા છે.
શબ્દ મર્યાદા, સીમા સર્જે છે અને જે મન શબ્દો દ્વારા કાર્યરત નથી થતું તેને કોઈ મર્યાદા કે સીમા નથી હોતી, તેને કોઈ સરહદ નથી હોતી; તે શબ્દોથી મર્યાદિત થયેલું નથી…, `પ્રેમ’ શબ્દને જ લો અને જુઓ કે તે તમારામાં શું જાગ્રત કરે છે. તમારું પોતાનું નિરીક્ષણ કરો; જે ક્ષણે મેં તે શબ્દનો ઉલ્લેખ કર્યો કે તમે હસવું શરૂ કર્યું અને તમે બેઠા થઈ ગયા, તમે અનુભવ્યું.
આમ, પ્રેમ શબ્દ દરેક પ્રકારના વિચારોને- કામુક, આધ્યાત્મિક, નાસ્તિક, અનંત જેવાં અનેક વિભાજનો ધરાવતા વિચારોને જાગ્રત કરે છે, પરંતુ પ્રેમ શું છે એ શોધી કાઢો. ચોક્કસપણે, શ્રીમાન, પ્રેમ શું છે એ શોધી કાઢવા માટે મન એ શબ્દોથી મુક્ત હોવું જોઈએ અને એ શબ્દના મહત્ત્વથી પણ મુક્ત હોવું જોઈએ.