મોબાઈલ વગર આજે લોકો શ્વાસ નથી લઈ શકતા તેવું કહી શકાય. નાની ઉમંરથી જ આજે લોકો લેપટોપ અને કોમ્પ્યુટરના ઉપયોગ કરવા લાગે છે. આધુનિક યુગમાં આ ગેઝેટનો ઉપયોગ કરતા સ્ક્રીન ટાઈમ વધ્યો છે. જેની આંખ પર અસર થવા લાગે છે. સતત સ્ક્રીન સામે જોવાના કારણે દિનપ્રતિદિન આંખની રોશની નબળી થવા લાગે છે અને નાની ઉંમરે જ બાળકોને ચશ્મા આવવા લાગ્યા છે.
આંખો માટે વિટામિન A જરૂરી
આ તમામ વસ્તુઓ જીવનસાથે વણાઈ ગઈ છે. ગેઝેટનો સંદતર ઉપયોગ બંધ કરવો અશક્ય છે. આવી સ્થિતિમાં આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે ચોક્કસ વિટામિન અને ખનિજોની જરૂર પડે છે. જેમ હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે તેમ આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન A જરૂરી છે. વિટામિન Aમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ જેવા પોષકતત્વો રહેલા છે આંખની રોશની વધવારવામાં મદદરૂપ બનશે. રોજિંદા આહારમાં તમે વિટામિન Aથી ભરપૂર ખોરાકને સામેલ કરી શકો છો.
વિટામિન એના સ્ત્રોત
વિટામિન એ આંખોની રોશની વધવારવા સાથે ત્વચા માટે તેમજ શરીરની અંદર રહેલા કોષોના વિકાસ માટે જરૂરી છે. વિટામિન એનાં મુખ્ય સ્ત્રોતો બે પ્રકારના હોય છે. એક પ્રાણીમાંથી મળતો સ્ત્રોત જેમાં દૂધ, દહીં, ચીઝ જેવી ડેરી પ્રોડકટ તેમજ માછલી અને ઇંડામાંથી મળે છે. જયારે બીજો છોડમાંથી મળતો સ્ત્રોત છે જે ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, પપૈયું, કેરી, ટામેટાં શકકરીયા અને લીલા કેપ્સિકમનો સમાવેશ થાય છે.
આ ફૂડ બનશે ઉપયોગી
આંખની રોશની વધારવા તમે ગાજર, કેરી, ટામેટાં અને પપૈયાને તમે કાચા સમારીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકો છો. જ્યારે કેપ્સિકમ અને લીલાં પાંદડાંવાળા શાકભાજીનું શાક બનાવીને ખાઈ શકો છો. આ તમામ વસ્તુઓમાં વિટામિન A ઉપરાંત C અને K ભરપૂર માત્રામાં છે. આ ઉપરાંત મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ રહેલા છે જે આંખની રોશની સુધવારવામાં વધુ મદદરૂપ બને છે. તમે રોજિંદા આહારમાં આ વસ્તુઓમાંથી નિયમિત કોઈ એક વસ્તુનું પણ સેવન કરશો તો તમારી આંખો નબળી પડશે નહી. આ ઉપરાંત જો તમે દિવસ દરમ્યાન કોમ્પ્યુટર અને મોબાઈલમાં કામ કરતા હોવ તો બે-થી ત્રણ વખત ચહેરો સાફ કરવાનું રાખો. આમ, કરવાથી આંખમાં થતા ખેંચાણને બળ મળશે.