અમરનાથ યાત્રાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે થોડા દિવસ પહેલા જ સુરક્ષા એજન્સીઓએ ફેસ રિકગ્નિશન સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો હતો, જેની સફળતા પણ હવે સામે આવી છે. અનંતનાગ પોલીસે આ નવી ટેક્નિકની મદદથી પહલગામ નાકા પર એક શંકાસ્પદ ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)ને પકડ્યો છે. જેને સિસ્ટમ દ્વારા તરત જ ઓળખી લેવામાં આવ્યો છે.
OGW આતંકીઓને દરેક પ્રકારની સુવિધાઓ અને સૂચના પહોંચાડવાનું કામ કરે છે
જણાવી દઈએ કે ઓવર ગ્રાઉન્ડ વર્કર સીધા જ સુરક્ષાદળો સામે લડતા નથી પણ તે આતંકીઓને દરેક પ્રકારની સુવિધાઓ અને સૂચના પહોંચાડવાનું કામ કરે છે અને સામાન્ય લોકોની વચ્ચે હળીમળીને રહે છે. મળતી માહિતી મુજબ જમ્મૂ કાશ્મીર પોલીસે આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓ અને અસામાજિક તત્વોની ઓળખ કરવા માટે મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર ફેસ રિકગ્નિશન સિસ્ટમ લગાવી છે. 19 જૂને પહલગામ નાકા પર આ ટેક્નીકની મદદથી એક વ્યક્તિની વિરૂદ્ધ પોલીસને એલર્ટ મળ્યું, ત્યારબાદ પોલીસે તેને તરત જ દબોચી લીધો.
પોલીસને એલર્ટ મળતા જ દબોચ્યો આ શંકાસ્પદ વ્યક્તિને
પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા વ્યક્તિની ઓળખ પહેલાથી જ સુરક્ષા એજન્સીઓની પાસે હતી અને તેને સંભવિત ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે ઓળખી લેવામાં આવ્યો હતો. જેવો જ આરોપી ચેકપોઈન્ટ પર પહોંચ્યો, ફેસ રિકગ્નિશન સિસ્ટમે તેને સિસ્ટમમાં ફીડ કરેલા ડેટા મુજબ એલર્ટ જાહેર કર્યુ. ત્યારબાદ સુરક્ષાદળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને તેને કસ્ટડીમાં લઈ લીધો. હાલમાં પકડેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ એજન્સીઓ તેના નેટવર્ક અને મંસૂબાને ઓળખવામાં લાગી છે.