- તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
- ‘એન્ટી બ્રેકિંગ સિસ્ટમ શરૂ થઇ હતી તે રિપોર્ટમાં સ્પષ્ટ છે’
- ‘ગાડીને બ્રેક મારતા 5 સેકન્ડમાં 30 કિમીની સ્પીડ ઘટી’
તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તેમની ઉપર નોંધાયેલી કલમોમાંથી કેટલીક કલમોમાં ડિસ્ચાર્જ મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે હાઇકોર્ટમાં બંને પક્ષ તરફથી દલીલો કરવામાં આવી રહી છે. આ અંગે તથ્યાના વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ શરૂ થઇ હતી તે રિપોર્ટમાં સ્પષ્ટ છે. તેમજ તથ્યએ બ્રેક મારી હતી.
હાઇકોર્ટમાં તથ્યના વકીલ આઇ.એચ.સૈયદે જણાવ્યું હતું કે, તથ્યએ બ્રેક મારી હતી અને એન્ટી બ્રેકિંગ સિસ્ટમ શરૂ થઈ હતી. રિપોર્ટમાં તે સ્પષ્ટ છે. ગાડીને બ્રેક મારતા 5 સેકન્ડમાં 30 કિમી સ્પીડ ઘડી હતી. ગાડીની બ્રેક લાઈટ પણ ચાલુ થઈ હતી. અકસ્માત નિવારણ માટે બ્રિજ ઉપર સીસીટીવી લગાવવા જોઇએ. અકસ્માત સ્થળને કોર્ડન કરવો જોઇએ. અકસ્માતનું વાહન રોડ ઉપરથી ખસેડવું જોઇએ. રિફલેક્ટર લગાવવું જોઇએ.
સરકારી વકીલે કરી રજુઆત
આ તરફ સરકારી વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, વિસ્મય અને તથ્યના કેસ અલગ અલગ દુર્ઘટના છે તેનો રેફરન્સ આપવો જોઇએ નહીં. તથ્યને કાર ડિસેમ્બરમાં મળી અને 15 દિવસમાં જાન્યુઆરીમાં પ્રથમ અકસ્માત કર્યો. નિવદેનમાં ખોટું કહ્યું કે, તે અકસ્માત રોજડું વચ્ચે આવવાથી થયો હતો. બીજો અકસ્માત અમદાવાદમાં ઇસ્કોન બ્રિજની દુર્ઘટનાના 15 દિવસ પહેલા કર્યો હતો. તથ્ય કેવી બેદરકારીથી ગાડી ચલાવે છે તેનો વીડિયો પણ કોર્ટ સમક્ષ મૂકી શકાય.
કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ?
જ્યારે તથ્યના વકીલે જણાવ્યું હતું કે, લોકો ભેગા થયા હતા અને તથ્યને મારતા હતા. પિતા પ્રજ્ઞેશ પટેલને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા અને પુત્રને હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરને તેમણે ઘટના વિશે જણાવ્યું હતું. ડોક્ટરનું નિવેદન પણ છે. પોલીસને પણ પ્રજ્ઞેશ પટેલે 100 નંબર ઉપર ઘટના વિશે જાણ કરી હતી. ડોક્ટરે નિવદેનમાં જણાવ્યું હતું કે, રાત્રે 1.45 કલાકે 20 વર્ષીય છોકરાને સંબંધી દ્વારા હોસ્પિટલ લવાયો હતો. તેના માથા અને પીઠ ઉપર વાગેલું હતું. તથ્યએ જણાવ્યું હતું કે, ટોળા સાથે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત થયો અને ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. તથ્યને ICUમાં દાખલ કરાયો હતો.
આ મામલે સરકારી વકીલે જણાવ્યું હતું કે, પાછળની તપાસના કાગળીયા પણ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવ્યા છે. તથ્યના વકીલ પાસે પણ તે છે. જોકે આ મામલે હાઇકોર્ટમાં વધુ સુનાવણી 15 ડિસેમ્બરે યોજાશે. એટલે કે, 14 તારીખે જે ટ્રાયલ કોર્ટમાં આજે ચાર્જ ફ્રેમ થવાની હતી, જોકે, ત્યાં ફરી તથ્યના વકીલ અરજી આપશે અને તે દિવસ માટે ચાર્જ ફ્રેમ મોકૂફ રખાશે.


