અમેરિકામાં આયોજિત 2025ની સ્ક્રિપ્સ નેશનલ Spelling Bee સ્પર્ધામાં ભારતીય મૂળના ફૈઝાન જકીએ જીત હાંસલ કરી છે. 13 વર્ષના ફૈઝાન તેલંગાણાના હૈદરાબાદના નિવાસી છે. પરંતુ તેઓ હાલ અમેરિકાના ટેક્સાસમાં રહે છે. ફાઇનલ રાઉન્ડમાં તેઓએ ફ્રેંચ શબ્દ ‘éclaircissement’નો સ્પેલિંગ વિના કોઇ ભૂલ કરીને જણાવ્યો હતો. આ સ્પેલિંગનો અર્થ થાય છે કે, કંઈક અસ્પષ્ટ વસ્તુને સ્પષ્ટ કરવી. આ જોડણી જણાવ્યા બાદ ફૈઝાનને 41 લાખ રૂપિયાની ધનરાશિ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી.
નાની ઉંમરથી સ્પર્ધામાં લઇ રહ્યા છે ભાગ
ફૈઝાન જકીએ નાનપણથી શબ્દો સાથે રમત શરુ કરી હતી. ડૈલસના સી.એમ.રાઇસ મિડલ સ્કૂલના સાતમાં ધોરણના વિદ્યાર્થીએ વર્ષ 2019માં માત્ર 7 વર્ષની ઉંમરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને 370મું સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. અને ત્યાર બાદ તેઓએ સતત મહેનત કરવાનું યથાવત્ રાખ્યુ હતુ. વર્ષ 2023માં તેઓએ 21મું સ્થાન અને વર્ષ 2024માં તેઓ રનર-અપ રહ્યા હતા. આમ નાનાપણથી લઇને ફૈઝાન હમણા સુધી જીતનું મહત્ત્વ સમજી ગયા છે. અને રમત કે રમકડાં રમવાની ઉંમરે તેઓએ પોતાની સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે.
બાળપણથી જ જાણ્યો પુસ્તક પ્રેમ
ફૈઝાનના માતા-પિતા જકી અનવર અને અર્શિયા કાદરી મૂળ ભારતીય છે. અમેરિકાના ટેકસાસના રહેવાસી હોવા છતા તેઓએ તેમના પુત્ર ફૈઝાનને પુસ્તક અને શબ્દોનું મહત્ત્વ સમજાવ્યુ છે. ફૈઝાન બે વર્ષની ઉંમરથી જ પુસ્તકો વાંચવા લાગ્યા રહતા. અને વર્ષ 2017માં તેઓ સૌથી ઓછી ઉંમરના રાષ્ટ્રીય સ્પર્ધા માટે ક્વોલિફાઇ થનાર સ્પર્ધક બન્યા હતા. ભૂતકાળમાં મળેલી હાર બાદ તેઓએ પોતાની જાત પર વધુ મહેનત કરી હતી અને અભ્યાસ શરુ કર્યો હતો. તેઓએ ડૈલસ સ્પોર્ટસ કમીશનના પ્રતિનિધિઓ સાથે મળીને પોતાનો શબ્દકોષ અને ઉચ્ચારણની સમજ વધારી હતી.