- દેશની રાજધાની દિલ્હીમાં એક વધુ કૌભાંડ સામે આવ્યું
- તપાસમાં આવેલા નમૂના પૈકી 10 ટકા નમૂના ફેલ
- પ્રાઇવેટ લેબમાં થયેલી તપાસમાં દવાના નમૂના ફેલ રહ્યા છે
દેશની રાજધાની દિલ્હીમાં એક વધુ કૌભાંડ સામે આવ્યું છે. દિલ્હીના ઉપરાજ્યપાલ કાર્યાલયે દાવો કર્યો છે કે દિલ્હી સરકારની હોસ્પિટલ્સમાં નકલી દવાઓ મળી છે. એલજી કાર્યાલયે કહ્યું છે કે હોસ્પિટલમાં તપાસમાં આવેલા નમૂના પૈકી 10 ટકા નમૂના ફેલ સાબિત થયા છે. પ્રાઇવેટ લેબમાં થયેલી તપાસમાં દવાના નમૂના ફેલ રહ્યા છે. આરોપ છે કે દવાની ખરીદીમાં બેદરકારી દાખવવામાં આવેલી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ તકેદારી વિભાગે દવાઓને મુદ્દે આપેલા અહેવાલને પગલે સમગ્ર કેસમાં સીબીઆઈ તપાસના આદેશ કર્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ નરેશ કુમારને પણ તપાસ કરવા સૂચના આપી છે. ઉપરાજ્યપાલે આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ એવા સમયે કર્યા છે કે જ્યારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સરકારના અનેક નેતા ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. ઈડી મુખ્યપ્રધાન કેજરીવાલને પણ શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ત્રણ વાર સમન જારી કરી ચૂકી છે.


