પોલીસે ર૦૦ના દરની 3૪3 નોટો કબ્જે કરી: અમદાવાદના શખ્સની શોધખોળ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ નોટોના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો છે. શહેરના રેલવે સ્ટેશન રોડ નજીકથી એલસીબી ટીમે એક ઈસમને 343 નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે મોબાઇલ અને સ્કુટર સહિત રૂ.55,ઘ મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ભાવનગર LCB સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના રેલવે સ્ટેશન રોડ નજીક રાજપરાગામ (ખોડિયાર) સિહોરનો રહેવાસી અજય ઉર્ફે ઘુઘો પોપટભાઇ બુધેલીયા એકસેસ મોપેડ લઇને ઉભો છે અને તેની પાસે ડુપ્લીકેટ નોટો છે. આ ડુપ્લીકેટ ચલણી નોટો બજારમાં વટાવવા માટે ઉભો છે. આ બાતમી આધારે LCBએ તેની તપાસ કરતાં અજય ઉર્ફ ઘુઘો પોપટભાઇ બુધેલીયા પાસેથી ડુપ્લીકેટ ચલણની નોટો મળી આવી હતી.
LCBએ આરોપી અજય પાસેથી નકલી 343 નોટ, અસલ રૂ.200ની 2 નોટ, રૂ.100ની 4 નોટ એક કુલ રૂપિયા 800 અને એક રેડમી કંપનીનો મોબાઇલ જેની કિં. રૂ.5000, એકસેસ મોપેડ કિં. રૂ.50,000 મળી કુલ રૂપિયા 55,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અજય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
આરોપીએ અમદાવાદના યુવક પાસેથી નોટો મેળવી હતી આ અંગે ઝડપાયેલા આરોપી અજય ઉર્ફે ઘૂઘોને ડુપ્લીકેટ નોટ ક્યાંથી અને કોની પાસેથી લેવામાં આવી છે, તે અંગેની પૂછપરછ કરતા અમદાવાદ નારોલ વિસ્તારનો રહેવાસી ચિંતનભાઈ અનિલભાઈ કનોજીયા પાસેથી ડુપ્લીકેટ નોટો મેળવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.


