ગૌરી પ્રી-પ્રાયમરી શાળામાં ડીપીઇઓના દરોડા દરમિયાન 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા મળી આવ્યા : કોઇપણ મંજુરી કે આધાર પુરાવા વગર પ્રી-પ્રાઇમરીથી ધોરણ 10 સુધીની શાળા ચલાવતા દંપતિને ઝડપી લઇ ગુન્હો દાખલ કરાવાયો
રાજકોટની ભાગોળે માલિયાસણ પાસે આવેલા પીપળીયા ગામમાં ગેરકાયદેસર મંજુરી વગર પ્રી-પ્રાયમરી શાળા ચાલતી હોવાની બાતમી બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આખે આખી સ્કૂલ જ બોગસ હોવાનું ખુલતા શિક્ષણ વિભાગ દ્વારા દુકાનની અંદર ચાલતી આ શાળાને સીલ મારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળા ચલાવતા દંપતિને કુવાડવા રોડ પોલીસ મથકને હવાલે કરી ગુન્હો દાખલ કરવાની તજવીજ કરાઇ છે.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટની ભાગોળે માલિયાસણ પાસે આવેલા પીપળીયા ગામના નવીનનગરમાં ગૌરી પ્રી-પ્રાયમરી નામની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં એક બાળક અભ્યાસ કરતું હોય અને તે બાળકનું અન્ય એડમીશન લેવાનું હોવાથી લીવીંગ સર્ટી માગ્યું હતું. પરંતુ શાળાના સંચાલકો દ્વારા લીવીંગ સર્ટીફિકેટ અપાતું ન હોવાથી બાળકના માતા-પિતા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં ફરીયાદ કરવામાં આવી હતી. જેથી ડીપીઇઓ વિમલ ગઢવી દ્વારા સૌપ્રથમ આ શાળાની માન્યતા ચકાસવામાં આવી હતી. પરંતુ કોઇ આધાર નહીં મળતા વિમલ ગઢવી અને તેમની ટીમ દ્વારા પીપળીયા ગામે ગૌરી પ્રી-પ્રાયમરી સ્કૂલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન 33 જેટલા બાળકો અભ્યાસ કરતા નજરે ચડ્યા હતા. આથી શાળાના સંચાલક દપંતિ સંદીપ તિવારી અને કાચ્યાયની તિવારી પાસે શાળાના તમામ આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા. તે સમયે દંપતિ દ્વારા ગલ્લ તલ્લા કરવામાં આવ્યા હતા. અંતે દંપતિએ તેઓની પાસે કોઇ આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા શિક્ષણ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. કારણ કે આ દંપતિ અભ્યાસ કરતા 33 બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. આ દંપતિ સને 2018થી આ શાળા ચલાવતા હતા. વધુ તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, આ દંપતિ પ્રી-પ્રાયમરીથી ધોરણ 10 સુધી બાળકોને અભ્યાસ કરાવતા હતા. આમ એક વિદ્યાર્થીના લીવીંગ સર્ટિએ આખે આપી બોગસ શાળાનો પદાર્ફાસ કર્યો હતો.
આ દરોડા સમયે શિક્ષણ વિભાગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફને પણ સાથે રાખ્યો હતો. આથી ડમી શાળા હોવાનું ખુલવા પામતા કુવાડવા પોલીસે દંપતિની ધરપકડ કરી હતી. તો શિક્ષણ વિભાગે દુકાનની અંદર ચાલતી આ શાળાને પંચોની હાજરીમાં સીલ માર્યું હતું. હાલ કુવાડવા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે.
ગૌરી પ્રાયમરી શાળામાંથી અન્ય શાળાના લીવીંગ સર્ટિ મળ્યા
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીની સ્ટાફ દ્વારા ગૌરી પ્રી-પ્રાયમરી શાળા ખાતે દરોડો પાડવામાં આવતા આખે આખી શાળા ડમી હોવાનું ખુલ્યું હતું. આથી શિક્ષણ વિભાગની ટીમ દ્વારા આખી શાળામાં ચકાસણી હાથ ધરાઇ હતી. તે સમયે ઓફિસના કબાટમાંથી અન્ય શાળાના લીવીંગ સર્ટિ મળી આવ્યા હતા. આથી આ બાબતે ડીપીઇઓ ગઢવીને પુછાતા તેમણે સર્ટિ ક્યા શાળાના છે. તે કહ્યું ન હતું. પરંતુ સર્ટિ મળ્યા છે. તે સ્પષ્ટતાને સમર્થન આપ્યું હતું.