- સોસાયટીની મહિલાઓ પાણીની રજૂઆત માટે નગરપાલીકા કચેરીએ દોડી ગઈ હતી
- એક માસની અંદર પાણી નહીં અપાય તો મહિલાઓએ આંદોલનની ચીમકી આપી
- આ વિસ્તારમાં નવી પાણીની લાઈન નાંખ્યા બાદ લોકોની સમસ્યાનું નીરાકરણ આવી જશે
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાના છેવાડાના વિસ્તારોમાં હજુ પણ પાણીનો કકળાટ રહે છે. ત્યારે ગુરૂવારે શહેરના 80 ફુટ રોડ પર આવેલ પ્રેરણા સોસાયટીની મહિલાઓ પાણીની રજૂઆત માટે નગરપાલીકા કચેરીએ દોડી ગઈ હતી. પાલીકા પ્રમુખને મૌખીક રજુઆતો કરી મહિલાઓએ એક માસમાં પાણી નહી મળે તો આંદોલનની ચીમકી આપી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ પાણીથી હીલોળા ભરી રહ્યો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચતુ નથી. હાલ જયારે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ વિસ્તારોમાં પાણીની તાતી જરૂરીયાત રહેલી છે. આવા સમયે શહેરના 80 ફુટ રોડ પર આવેલ વોર્ડ નં. 5ની પ્રેરણા સોસાયટીમાં છેલ્લા ત્રણ માસથી પાણી ન મળતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. અને ગુરૂવારે મહિલાઓ પાલીકા કચેરીએ રજુઆત કરવા દોડી આવી હતી. મહિલાઓએ પાલીકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયાને મૌખીક રજુઆતો કરતા જણાવ્યુ કે, નળ વાટે પાણી ન મળતા અમોને છેલ્લા થોડા સમયથી ટેન્કરથી પાણી અપાતુ હતુ. પરંતુ અમુક દિવસોથી તે પણ બંધ કરી દેવાયુ છે. આથી અમારે પીવાનું તથા ઘર વપરાશના પાણી માટે સ્વ ખર્ચે ટેન્કર કે કેરબા મંગાવવા પડે છે. આથી તાત્કાલીક પાણી મળે તેવુ આયોજન કરવા રજુઆતમાં જણાવાયુ હતુ. અને જો આગામી એક માસમાં આ વિસ્તારમાં પાણી મળતુ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
આ અંગે સુરેન્દ્રનગર નગરપાલીકાના ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, આ વિસ્તાર નવો ડેવલોપ થયો છે. આથી ત્યાં પાણીની જુની લાઈનો હતી. જેમાં વિસ્તાર વધવાથી પ્રેશર ઓછુ મળતા પાણી પહોંચતુ નથી. હાલ ત્યાં નવી પાઈપલાઈન નાંખવાનું આયોજન છે. જેના માટે એકવાર ટેન્ડરીંગ પણ કરાયુ છે. જેમાં એકમાત્ર ટેન્ડર આવતા રી-ટેન્ડરીંગ પણ કરવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં નવી પાણીની લાઈન નાંખ્યા બાદ લોકોની સમસ્યાનું નીરાકરણ આવી જશે.


