- ઈમરોઝે અમૃતા પ્રિતમ પર કવિતાની એક બુક લખી હતી
- ઈમરોઝ-અમૃતા પ્રિતમની જોડી આખરે ખંડિત થઈ
- અમૃતા માટે ઈમરોઝે જીવન સમર્પિત કરી નાખ્યું હતું
જાણીતા ચિત્રકાર અને કવિ ઈમરોઝનું આજે મુંબઈમાં જૈફ વયે નિધન થઈ ગયું હતું. અમૃતા પ્રિતમ અને ઈમરોઝની લવ સ્ટોરીનું આજે સમાપન થઈ ગયું હતું. કાંદીવલીમાં 97 વર્ષની વયે તેમના નિવાસ સ્થાને ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. ઈમરોઝ એક દમદાર પ્રેમી હોવાની સાથે કવિ અને પ્રસિદ્ધ ચિત્રકાર પણ હતા. તેમના નિધન પર સાહિત્ય જગતે શોક વ્યક્ત કર્યો છે. ઈમરોઝનું અસલ નામ ઈન્દ્રજીત સિંહ હતું. તેઓ જાણીતી લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રિતમની સાથે રહેતા હોવાથી હંમેશા ચર્ચામાં રહેતા હતા. ઈમરોઝે અમૃતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું.
અદભુત પ્રેમ કહાણી
અમૃતા અને ઈમરોઝનો સાથ આશરે 40 વર્ષ જેટલો રહ્યો હતો. અમૃતા પ્રિતમના છેલ્લા દિવસોમાં ઈમરોઝ તેમની સાથે હતા. અમૃતા ઈમરોઝને જીતના નામે સંબોધન કરતી હતી. ઈમરોઝે અમૃતા પ્રિતમ માટે કવિતાઓની એક બુક પણ લખી હતી. જે વર્ષ-2008માં પ્રકાશિત થઈ હતી. આ બુકમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કવિતા ‘સંપૂર્ણ ઓરત’ રહી હતી.
બંનેની જોડી ચર્ચાસ્પદ
ઈમરોઝના છેલ્લા દિવસોમાં તેમના મિત્રોએ જણાવ્યું કે, ઈમરોઝનું આરોગ્ય છેલ્લા કેટલાક સમયથી સતત કથળતું રહ્યું હતું. જેના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. ઈમરોઝને પાઈપના માધ્યમથી ભોજન અપાઈ રહ્યું હતું. આટલી ગંભીર હાલત થઈ હોવા છતાં ઈમરોઝ એક દિવસ પણ અમૃતાને નહોતા ભૂલ્યા. ઈમરોજ આ વાતથી ખૂબ નારાજ થાત જ્યારે કોઈ અમૃતા વિશે હતા શબ્દ લગાવીને વાત કરતા ત્યારે તેઓ અમૃતા છે કહીને આગળ વાત વધારતા હતા.
અમૃતા પ્રિતમે ઈમરોઝ નામ આપ્યું
ઈમરોઝ ઉર્ફે ઉન્દ્રજીત સિંહનો જન્મ 26 જાન્યુઆરી 1926 ભાગલા પહેલાના પંજાબમાં થયો હતો. અમૃતા પ્રિતમ પોતાના કાવ્યસંગ્રહ માટે કવર ડિઝાઈન માટે એક કલાકારની શોધમાં હતા તે દરમિયાન બંનેની મુલાકાત થઈ અને આ મૃલાકાત બાદ દોર આમને આમ લાંબો થતો ગયો. બાદમાં ઈમરોઝને અમૃતા પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો હતો. જો કે અમૃતા પ્રિતમ જાણીતા શાયર સાહિર લુધિયાનવીને પ્રેમ કરતાં હતાં.


