બિષ્ણુપુરનો શાબ્દિક અર્થ થાય છે ભગવાન વિષ્ણુની ભૂમિ. બિષ્ણુપુર પશ્ચિમ બંગાળ રાજ્યમાં બાંકુરા જિલ્લાનું એક શહેર છે. જે પોતાનાં ટેરાકોટા મંદિરો (મલ્લ શાસકો દ્વારા નિર્માણ પામેલા) માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તદુપરાંત આ શહેર શ્રીકૃષ્ણ રાસલીલા અને બાલૂચરી સાડીઓ માટે વધુ જાણીતું છે. વર્ષ 1997 પછી બિષ્ણુપુરનાં મંદિરોને યૂનેસ્કો હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યાં છે.
બિષ્ણુપુરમાં મોટાભાગનાં મંદિરો ટેરાકોટા અને પાક્કી માટીથી બનાવવામાં આવેલાં છે. બિષ્ણુપુર વિશે એમ પણ કહેવાય છે કે, આ શહેર વૃંદાવનથી પ્રેરણા લઇને બનાવવામાં આવ્યું હતું. કોલકાતાથી 138 કિમી. દૂર બિષ્ણુપુર મલ્લ રાજવંશની રાજધાની હતી. 17-18મી શતાબ્દીમાં મલ્લ સામ્રાજ્યની ચર્ચા ચારેકોર હતી. આ દરમિયાન જ અહીં અનેક મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરો કલાકારી, કોતરણી, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક કહેવાતાં હતાં અને અન્ય રાજ્યો માટે આ મંદિરો એક પ્રકારની પ્રેરણા પૂરી પાડતાં હતાં.
બિષ્ણુપુર ક્યારે વસ્યું હતું તે બાબતે ઇતિહાસકારોમાં કોઇ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ 7મી શતાબ્દીના આરંભમાં આ સ્થળ મલ્લભૂમ સામ્રાજ્યનો પ્રમુખ વિભાગ કહેવાતો હતો. તેનું સામ્રાજ્ય પશ્ચિમ બંગાળમાં બાંકુરા, બર્ધમાન, મદનીપુર અને મુર્શિદાબાદના કેટલાક વિભાગોથી માંડીને બિહારમાં છોટાનાગપુર સુધી ફેલાયેલું હતું. તેની પહેલાં રાજધાની દક્ષિણ બાંકુરામાં જોયપુરની પાસે હતી, પરંતુ 16મી શતાબ્દી આસપાસ તેમણે બિષ્ણુપુરને પોતાની રાજધાની બનાવી દીધી હતી. સામ્રાજ્યનો વિસ્તાર વધ્યા બાદ મલ્લ શાસકોએ કલાના નિર્માણ તરફ વિશેષ ધ્યાન દોર્યું. તેઓ કલા અને ધર્મ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા. તેમણે 10મી અને 18મી સદીમાં ટેરાકોટાનાં મંદિરો બનાવ્યાં જેના પર અત્યંત કલામય નકશીકામ કરાવવામાં આવ્યું હતું. આ મંદિરોમાં તે સમયનો વિશાળ ઇતિહાસ પણ લખાયેલો છે.
ટેરાકોટા-પાકી માટીનાં મંદિરો
માત્ર બિષ્ણુપુરમાં જ નહીં, પરંતુ સમગ્ર બંગાળમાં ટેરાકોટા અને પાકી માટીનાં મંદિરોની ભરમાર જોવા મળે છે. અલબત્ત, અહીં ગંગા, હુગલી અને પદ્મા નદી વહે છે જેથી માટીનો કાંપ-કીચડ ખૂબ જ સારો બને છે અને તેનાથી પથ્થર પણ સારા બનતા હોય છે. આ જ કારણસર અહીંના કાંપ-કીચડ તેમજ પથ્થરનો ઉપયોગ મંદિરમાં ભરપૂર રીતે કરવામાં આવ્યો છે.
બિષ્ણુપુરમાં આવેલાં મંદિરો વાસ્તુકલા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. ઉપરાંત મંદિરની છતોનું કોતરણીકામ અને ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. બિષ્ણુપુરમાં અંદાજે વીસેક મંદિરો છે જેમાં સૌથી વધુ ભગવાન વિષ્ણુ અને રાધા-કૃષ્ણનાં મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરોમાંથી મોટાભાગનાં મંદિરો મલ્લ શાસકોની પત્નીઓએ બનાવડાવ્યાં હતાં.
સૌથી પુરાણાં મંદિરોની વિશેષતા
અહીં આવેલાં સૌથી પુરાણાં મંદિરોની વિશેષતાઓ એ છે કે તેઓ ભગવાન વિષ્ણુને સમર્પિત નથી. આ મંદિરોમાં મૃણ્મયી મંદિર જે ઈ.સ. 997ની આસપાસ મલ્લએ બનાવડાવ્યું હતું જે માતા દુર્ગાને સમર્પિત છે. આમ, તો આ મંદિરમાં માતા દુર્ગાની પૂજા તહેવારોમાં તેમજ નવરાત્રીમાં ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ અહીં માતા મૃણ્મયી (માતા દુર્ગા)ની પૂજા વીસ દિવસ સુધી કરવામાં આવે છે. ભારતભરમાંથી માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવા અને તેમના આશીર્વાદ લેવા ભક્તો આવે છે.
કલાત્મક કૃષ્ણ મંદિર
17મી શતાબ્દીના અંત સુધીમાં દુર્જન સિંઘા નામના રાજાએ પણ બિષ્ણુપુરમાં એક સુંદર આકર્ષક અને કલાત્મક મંદિર બનાવ્યું હતું. તેમણે ઈ.સ. 1694માં મદનમોહન મંદિર બનાવડાવ્યું હતું. આ મંદિરનાં દ્વાર પર જ કૃષ્ણલીલાઓને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. વધુમાં આ મંદિરની કમાનો પર યુદ્ધ વિશેનાં શિલ્પો પણ કંડારવામાં આવ્યાં છે. આ સિવાય ભગવાનના દશાવતારને પણ રજૂ કરવામાં આવ્યા છે. નોંધનીય છે, 18મી સદીમાં પણ અહીં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ જ રાખવામાં આવ્યું હતું. ઈ.સ. 1726માં ગોપાલ સિંઘા દ્વારા એક નાનું અને એક મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પરિસરમાં રાધા ગોવિંદનું મંદિર છે જેની દીવાલોમાં ધાર્મિક રીત-રિવાજોનું ચિત્રણ પણ જોવા મળે છે. અહીં અન્ય રાધા-માધવ મંદિર પણ છે જેને વીર સિંઘાની પત્નીએ ઈ.સ. 1737માં બનાવડાવ્યું હતું. ત્યારબાદ ઈ.સ. 1758માં ચૈતન્ય સિંઘાએ રાધા-શ્યામ મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું.
આ રાધા-શ્યામ મંદિર બિષ્ણુપુરમાં આવેલાં અન્ય મંદિરોથી એકદમ અલગ તરી આવે છે. આ મંદિરનો બુરજ અન્ય મંદિરોના બુરજથી ઘણો અલગ છે. આ મંદિરના ગર્ભગૃહમાં બિષ્ણુપરના જીર્ણશીર્ણ મંદિરોની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે આ મંદિરોમાં પૂજા આજે પણ કરવામાં આવે છે.
વાસ્તુકલા અને ડિઝાઈનના વિષયમાં બિષ્ણુપુરનાં મંદિરો ભારતનાં અન્ય મંદિરો કરતાં ઘણાં અલગ પડે છે. અહીં મંદિરમાં આવેલા ઝરુખા સૌનું ધ્યાન ખેંચે છે અને ત્યાંથી મંદિરોનો ભવ્ય ઇતિહાસ પણ સ્પષ્ટ દેખાય છે. આજે પણ બિષ્ણુપુરની બાલૂચરી સાડીઓમાં અહીંના ઇતિહાસની ઝાંખી દેખાય છે. અહીંની સાડીઓ પર રંગવામાં આવેલાં કે દર્શાવેલાં રાધા-કૃષ્ણ કે લોકકથાનાં ચિત્રો અદ્દલ એવાં છે જે મંદિરોની દીવાલો પર જોવા મળે છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે બસ દ્વારા બિષ્ણુપુરનાં મંદિરો જોવા જવાના હોવ તો કોલકાતા રાજ્ય પરિવહન નિગમની બસો ઉપરાંત પ્રાઇવેટ બસો પણ આપને કોલકાતાથી મળી રહે છે. જ્યારે રેલમાર્ગે જવું હોય તો તે કોલકાતાથી અંદાજે 198થી 200 કિમી. આસપાસ પડે છે. આ સિવાય જો તમે વિમાનમાર્ગે અહીં આવવા માંગતા હોવ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ તમને વધુ સરળ પડી શકે છે. અલબત્ત, કોલકાતાથી બિષ્ણુપુર જવા ખાનગી કેબ કે બસો દ્વારા પણ તમે સરળતાથી અહીં પહોંચી શકો છો.