- જિલ્લાના ચોટીલા, સાયલા, થાન, મૂળી સહિતના તાલુકાઓમાં વરસાદી ઝાપટાં
- સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સમી સાંજે વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી
- સુરેન્દ્રનગર શહેરમાં આકાશ ગોરંભાયુ હતુ. તથા પવનની ગતી તેજ બની હતી
હવામાન વિભાગે અરબ સાગરમાં સક્રીય થયેલી સીસ્ટમના લીધે ઝાલાવાડમાં વરસાદ આવી શકે તેવી શકયતા વર્ણવી હતી. જેને પગલે સોમવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફુંકાયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં આ લખાય છે ત્યાં સુધી વરસાદ વરસ્યો ન હતો. જોકે, જિલ્લાના ચોટીલા, સાયલા, મુળી અને થાન તાલુકામાં સાંજના સમયે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટાથી જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાં રાહત અનુભવી હતી.
હવામાન વિભાગના જણાવાયા મુજબ અરબ સાગર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સક્રીય થયેલી સીસ્ટમના લીધે ગુજરાતમાં વરસાદની શકયતા રહેલી છે. તેમાં પણ ઉત્તર અને દક્ષીણ ગુજરાતના જિલ્લાઓમાં તા. 13 થી 15 દરમીયાન વરસાદની શકયતા વર્ણવાઈ છે. જયારે સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આવી શકે તેમ આગાહી કરાઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જ સોમવારે સાંજે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને સુરેન્દ્રનગર શહેરમાં આકાશ ગોરંભાયુ હતુ. તથા પવનની ગતી તેજ બની હતી. હમણા વરસાદ તુટી પડશે તેમ લાગતુ હતુ. પરંતુ આ લખાય છે ત્યાં સુધી વરસાદનું આગમન થયુ ન હતુ. દિવસભર અસહ્ય ગરમી અને ઉકળાટમાં રહેલા લોકોને સાંજે વાતાવરણમાં પલટો આવતા ગરમીથી રાહત મળી હતી. જોકે, જિલ્લાના ચોટીલા, સાયલા, થાન અને મુળી પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા. જેમાં સાયલામાં 21 મીમી અને ચોટીલામાં 17 મીમી વરસાદ પણ હવામાન વિભાગની કચેરીએ નોંધાયો છે. જિલ્લામાં વરસાદની શકયતાને લીધે ગરમીનો પારો નીચે જવાની પણ શકયતા રહેલી છે. જયારે ધ્રાંગધ્રા શહેરમાં પણ સાંજના સમયે જોરદાર વાવાઝોડુ આવ્યુ હતુ જેમાં રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડી હતી.
સાયલાના ઢેઢુકીમાં વીજળી ત્રાટકતા બે ભેંસનાં મોત
સાયલા : સાયલા માં કમોસમી વાવાઝોડા સાથે ઢેઢુકી ગામે વાડીમાં આકાશી વીજળી પડતા બે પશુઓ ના મોત નિપજયા હતા.ઢેઢુકી ગામે ભાગવી વાડી વાવતા દલસુખભાઇ મનુભાઇ જીડીયા ની બે ભેંસો પર વીજળી ત્રાટકતા બન્ને અબોલ પશુઓ ના મોત નિપજયા હતા.
ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે ખેતીવાડી વિભાગે પણ વરસાદથી પાક નુકશાનીથી બચાવવા માટે ખેડૂતોને સુચના આપી છે. જેમાં ઉત્પાદીત થયેલો પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકવા જણાવાયુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાનો ઉપયોગ હાલ પુરતો ટાળવા, એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષીત રાખવા અપીલ કરી છે.
વાતાવરણમાં પલટો આવતા જ લાઈટો ગુલ
સુરેન્દ્રનગર શહેરમાં સોમવારે સાંજે આકરા તડકા બાદ આકાશ ગોરંભાયુ હતુ અને જોરદાર પવન ફુંકાવા લાગ્યો હતો. ત્યારે પવન ફુંકાવાનો શરૂ થતા જ વીજ કંપનીના ડીંડવાણા શરૂ થયા હતા અને લાઈટો ગુલ થઈ ગઈ હતી. લોકોને બફારામાં શેકાવાનો વારો આવ્યો હતો. જોકે, એકાદ કલાક બાદ ફરીથી લાઈટો ચાલુ થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


