- હજારો હેક્ટર પાકમાં પાણીની ફરી વળ્યા
- ઉભા પાકમાં પાણી ભરાતા પાકને નુકસાન
- ઘઉં, જીરું, રાયડો અને અન્ય શિયાળુ પાકમાં નુકશાન
રાજ્યમાં ખેડૂતોને એક તરફ માવઠાનો માર પડી રહ્યો છે. બીજી તરફ હવે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળવાના કારણે ખેડૂતોની સ્થિતિ બેહાલ થઈ છે. અમદાવાદ નજીક સાણંદના નળકાંઠાના ખેડૂતોની મહેનત પર કેનાલનું પાણી ફરી વળતાં મોટી સંખ્યામાં શિયાળા પાકને નુકસાન થયું છે.
આ અંગેની માહિતી અનુસાર, ખેડૂતોની મહેનત પર તંત્રની બેદરકારીનું પાણી ફરી વળ્યું છે. અમદાવાદના સાણંદમાં નળકાંઠાના ખેડૂતોની ફતેવાડી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો બેહાલ થયા છે. ઉભા પાકમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, જરૂર હોય ત્યારે કેનાલમાં પાણી છોડાતું નથી જેના કારણે પાકમાં પાણીની અછત જોવા મળી છે. જ્યારે હવે પાણી છોડ્યું તો પાક બગાડી નાખ્યો છે. હજારો હેક્ટર પાકમાં પાણીની ફરી વળ્યા છે. રેથલ, કુંડળ, પાવા, મેલખણા ગામોમાં નુકસાન છે. જેમાં ઘઉં, જીરું, રાયડો અને અન્ય શિયાળુ પાકમાં નુકશાન થયું છે.


