- રોજે રોજ વધતા ડુંગળીના ભાવથી વપરાશ ઘટયો
- ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા
- સામાન્ય જનતા મોંઘીદાટ ડુંગળી ખરીદે છે
ડુંગળી ખેડૂતો અને ગૃહિણીઓ બંનેને રડાવી રહી છે. જેમાં રોજે રોજ વધતા ડુંગળીના ભાવથી વપરાશ ઘટયો છે. ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી. સામાન્ય જનતા મોંઘીદાટ ડુંગળી ખરીદે છે. તથા ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી રહ્યા છે. ખેડૂત પાસેથી સસ્તી ખરીદી, માર્કેટમાં કેમ મોંઘી ડુંગળી?
ડુંગળીના ભાવનો લાભ ન ખેડૂતને મળે, ન ગૃહિણીને
ડુંગળીના ભાવનો લાભ ન ખેડૂતને મળે, ન ગૃહિણીને ત્યારે કોણ ઉઠાવી રહ્યું છે વચ્ચેથી લાભ? કોણ ખાઇ રહ્યું છે મલાઇ?. ડુંગળીના ભાવથી ખેડૂતો અને ગૃહિણીઓ બંને પરેશાન છે. ખેડૂતો ડુંગળીના સસ્તા ભાવથી પરેશાન છે તો ગૃહિણીઓ ડુંગળીના વધુ ભાવથી પરેશાન છે. રોજે રોજ વધતા ડુંગળીના ભાવથી ડુંગળીનો વપરાશ ઘટયો છે. પહેલા રોજ ડુંગળી ખાતા હતા હવે એક સપ્તાહમાં 3 દિવસ ડુંગળી ખવાય છે તેમ લોકો ચર્ચા કરી રહ્યાં છે. ગરીબોની કસ્તુરી હવે અમીરોને પણ રડાવે છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો
ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા બીજા દિવસે વિરોધ કર્યો છે. વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. બપોર સુધીમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી છે. તેમજ ધોરાજીના ખેડૂતની આત્મવિલોપનની ચીમકી છે. ત્યારે ડુંગળી રસ્તા પર ઠાલવી વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યાં છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો રસ્તા પર છે. પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને પારાવાર નુકસાન થયુ છે. નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે.
55000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદે ખેડૂતોનો વિરોધ છે. યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવ મુદે બીજા દિવસે વિરોધ યથાવત છે. ગઈકાલના રોજ માર્કેટ યાર્ડ થયેલ 55000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ છે. માર્કેટ યાર્ડના મેઈન ગેઈટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેઈટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. માર્કેટ યાર્ડના બન્ને મુખ્ય ગેઈટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલ વાહનોની કતારો લાગી છે. સરકાર અને માર્કેટ યાર્ડ સતાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે.


