- અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળની થયેલી રચના અને TP સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ
- ભાવનગરના અલંગ નજીક આવેલ મણાર ગામે યોજાયું ખેડૂતોનું મહાસંમેલન
- છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે માથાકૂટ
અલંગ સત્તા વિસ્તાર વિકાસ મંડળ દ્વારા ભૂતકાળમાં TP સ્કીમ લાગુ કરવામાં આવી હતી તે સમયે જબરજસ્ત વિરોધ ખેડૂતો દ્વારા ઉઠયો હતો. જેતે વખતે TP સ્કીમ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ થોડા સમય બાદ TP સ્કીમ ફરી અમલમાં મૂકવાની કાર્યવાહી શરૂ થતા તેનો વિરોધ નોંધાવવા માટે આજે મણાર, કઠવા અને ત્રાપજ ગામના આગેવાનો અને ખેડૂતો મણાર ગામ ખાતે એકઠા થયા છે.ખેડૂતોનો આક્ષેપ છે કે,અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખેડૂતોના રૂપિયાથી જમીનનું ડેવલોપમેન્ટ કરશે.
છેલ્લા એક વર્ષથી વિરોધ
મણાર ગામના ખેડૂત આગેવાનનુ કહેવુ છે કે, 17 ગામના ખેડૂતો TP સ્કીમના વિરોધમાં એકઠા થયા છે. અગાઉ જ્યારે TP સ્કીમનો વિરોધ કર્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રી અલંગ આવ્યા હતા ત્યારે એમને પણ રજૂઆત કરી હતી એમણે પણ ઉપર રજૂઆત કરીને જણાવ્યું હતું કે, અહીંયા TP સ્કીમની જરૂરિયાત નથી, એની પહેલા અહીંયા હિઅરીંગ રાખવામાં આવ્યું હતું ત્યારે 829 ફરીયાદો આવી હતી, આ ફરિયાદો આવ્યા પછી સતા વિકાસ મંડળે મિટિંગ કરી હતી અને અધિકારીઓએ ઉપર જણાવ્યું હતું કે, હાલ અહીંયા TP સ્કીમ કરવાની જરૂર રહેતી નથી, છતાં ફરીવાર TP સ્કીમ કેમ થઈ જેને લઈ ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે.
ફળદ્રુપ જમીન
જે ગામના ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે એમની જમીન ફળદ્રુપતા વાળી છે જેમાં ચીકુ, આંબા, નાળિયેર સહિતની ખેતી થાય છે, અને વધુમાં શેત્રુંજીનું પાણી પિયત માટે મળતું હોય છે અને નાના ખેડૂતોની 5 વિધા જમીન જતી હોય તો એની વચ્ચે રસ્તો નીકળતો હોય તો નાનો ખેડૂત ખેડૂત જ મટી જાય છે, એટલે ખેડૂતોનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂતોના વાંધા સૂચનો અનુસાર નિરાકરણ કરાશે
આ અંગે અલગ સત્તા વિસ્તાર વિકાસ મંડળના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્રારા ત્રણ TP સ્કીમો મંજૂર કરવામાં આવી છે, આ મંજૂર થયેલી સ્કીમમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી એમના વિવિધ પ્રશ્નો રજુઆત કરી છે અને ખેડૂતોના જે વાંધા સૂચનો છે તે ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ અનુસાર નિરાકરણ કરવામાં આવશે,આ હજી ડ્રાફ્ટ TP સ્કીમ છે હજી ફાઈનલ TP સ્કીમ બાકી છે.


