- કોલ્ડસ્ટોરેજમાં બટાટાની આવક અચાનક ધીમી પડી
- બટાટાનો પાક બહાર કાઢયા બાદ માવઠુ થાય તો નુકસાન પડે
- બગડવાની સંભાવનાથી ખેડૂતોએ આ નિર્ણય કર્યો હોવાની ચર્ચા
દહેગામમાં હાલમાં બટાટાનો પાક લેવાની સિઝનનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ખેડૂતોએ પોતાના ખેતરેથી પાક સીધો જ કોલ્ડસ્ટોરેજમાં પહોચાડી રહ્યા છે. બટાટાની આવકનો આ ધમધમાટ આજથી અચાનક ધીમો પડી ગયો હોવાની વિગતો છે. હાલમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને બપોરે પણ વાદળો છવાયા રહે છે. જેથી કમોસમી માવઠાની દહેશતથી ખેડૂતોએ પોતાના ખેતરમાંથી પાક કાઢવાનુ બે ત્રણ દિવસ માંડી વાળવાનુ મુનાસિબ માન્યુ છે.પાક કાઢયા બાદ માવઠુ થાય તો બગડવાની સંભાવનાથી ખેડૂતોએ આ નિર્ણય કર્યો હોવાની ચર્ચા છે.
એક બે દિવસથી હવામાનમાં પલટાના કારણે કમોસમી માવઠાની સંભાવના પણ વ્યક્ત કરાઇ રહી છે. આવા સમયમાં દહેગામ તાલુકામાં બટાટાનો પાક લઇ રહેલા ખેડૂતોએ એકદમ શોર્ટબ્રેક મારી છે. પાક લેતા ખે.ડૂતો હવામાન ચોખ્ખુ થવાની રાહ જોવા માંગે છે. જેથી બે ત્રણ દિવસમાં હવામાનમાં ઉપર પલટો આવે પછી જ રાબેતા મુજબ પાક ખેતરમાંથી બહાર કાઢવા માંગે છે. જોકે કેટલાક ખેડૂતો હાલમાં બટાટા કાઢીને સીધા સ્ટોરેજ કરવા લાગી ગયા છે. કોલ્ડ સ્ટોરેજોમાં દૈનિક 50 હજારના કટ્ટાની આવકમાં પણ આજથી ઘટ નોંધાઇ હોવાથી આ આવક 1 લી બાદ ફરીવાર ઘમઘમશે એમ માનવામાં આવી રહ્યુ છે.બટાટા બહાર કાઢયા બાદ જો માવઠુ થાય તો પાકને નુકસાન જતુ હોવાથી આ જોખમ ટાળવા માટે ખેડૂતો રાહ જોઇ રહ્યા છે.હાલમાં બટાટાના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના મહામુલા પાકને સ્હેજ પણ નુકસાન નથી કરવા માંગતા.જેથી મોટા ભાગે ખેડૂતો 1લી બાદ બટાટા કાઢવાનુ શરુ કરનાર હોવાની વિગતો છે.


