- ખેડૂતોએ તમામ માંગ નહીં સ્વીકારાય તો 21મીએ દિલ્હી કૂચનું એલાન કર્યું
- ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની વાટાઘાટો પણ સફળ થઇ નથી
- ખેડૂતોને એમએસપીની ગેરંટી માટે ઓર્ડિનન્સથી ઓછું કશું નથી જોઇતું
ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની વાટાઘાટો પણ સફળ થઇ નથી. આ બેઠકમાં સરકારે ચાર પાક માટે એમએસપી આપવાની ઓફર કરી હતી પરંતુ સોમવારે ખેડૂતોના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે સરકારના પ્રસ્તાવ પર ખેડૂતોમાં સહમતિ ઊભી થઇ શકી નથી. તમામ ફોરમમાં વાત કર્યા બાદ હવે ખેડૂત નેતાઓએમ નિર્ણય કર્યો છે કે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પોતાના પ્રસ્તાવમાં ફક્ત હરિયાણા અને પંજાબના ખેડૂતોને જ જોઇ રહી છે પણ આ આંદોલન દેશભરના ખેડૂતોની વિવિધ ફસલ માટે છે. અન્ય એક કિસાન નેતાએ પણ જણાવ્યું હતું કે તમામ માંગ સ્વીકારવા માટે ખેડૂતોએ સરકારને 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. આ અગાઉ પાક પર લઘુતમ ટેકાના ભાવની ગેરંટીના મુદ્દે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની બેઠકમાં કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા તૈયાર થઇ ગઇ હતી. કેન્દ્ર સરકાર તરફથી ધાન અને ઘઉં ઉપરાંત મસૂર, અડદ, મકાઇ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે તેના માટે ખેડૂતોએ નાફેડ સાથે તથા સીસીઆઈ સાથે પાંચ વર્ષનો કરાર કરવો પડશે. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવ પર બેઠકમાં ઉપલબ્ધ ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ તમામ સંગઠનો સાથે વાત કરીને પોતાનો આખરી નિર્ણય સરકારને જણાવશે.
ખેડૂતોને એમએસપીની ગેરંટી માટે ઓર્ડિનન્સથી ઓછું કશું નથી જોઇતું
આ અગાઉ ચર્ચા દરમિયાન ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કરી દીધું હતું કે એમએસપીની ગેરંટી માટે કેન્દ્ર સરકાર ઓર્ડિનન્સ બહાર પાડે. ખેડૂતો આનાથી ઓછું કશું નહીં સ્વીકારે. નોંધનીય છે કે લગભગ બે કલાક વિલંબથી શરૂ થયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાયની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને કૃષિ મંત્રી ગુરમીતસિંહ પણ સામેલ હતાં.


