કામ મુદ્દે પિતાના ઠપકાથી દુઃખી થઈ 20 વર્ષીય યુવકે ઝેરી દવા પીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
કામ બાબતે પિતાએ ઠપકો આપતાં મનમાં લાગી આવતા 20 વર્ષીય યુવકે ઝેરી દવા પી લેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બનાવ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે પહેલા જસદણની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, કમશી નાનસીંગ ગેદરીયા (ઉંમર 20, રહે. સંજયભાઈ રૈયાણીની વાડી, જસદણ) ગઈકાલે બપોરે આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં વાડીમાં હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો. પરિવારજનોએ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, કમશી મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ખેત મજૂરી કામ કરે છે. તે ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં બીજા ક્રમે છે. કામ કરવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો, જેનું મનમાં લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસે યુવકનું નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.


