અનંત ચતુર્દશી એ હિન્દુ ધર્મનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશના દિવસે ઊજવવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા માટે સમર્પિત છે અને તે ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ પણ છે, જ્યારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. `અનંત’ શબ્દનો અર્થ થાય છે `અવિનાશી’ અથવા `જેનો કોઈ અંત નથી’. આ દિવસે કરવામાં આવતું વ્રત જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કષ્ટોના નિવારણ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
માહાત્મ્ય
અનંત ચતુર્દશીનું મુખ્ય માહાત્મ્ય ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપ સાથે જોડાયેલું છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન થઈને સૃષ્ટિનું સંચાલન કરે છે. આ વ્રત કરવાથી ભક્તોને અવિરત ધન, યશ, પુણ્ય અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ દિવસે અનંત સૂત્ર (દોરો) ધારણ કરવાનો વિશેષ મહિમા છે. આ સૂત્રમાં ચૌદ ગાંઠો હોય છે, જે ચૌદ લોક અને ચૌદ વર્ષોનું પ્રતીક છે. આ સૂત્ર બાંધવાથી જીવનમાં આવનારી તમામ વિપત્તિઓ દૂર થાય છે અને વ્યક્તિને ભય અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. આ દિવસે કરવામાં આવતા ઉપવાસથી માનસિક શાંતિ મળે છે. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કથા
અનંત ચતુર્દશીની વ્રતકથા સુશીલા અને કૌંડિન્ય ઋષિ સાથે સંબંધિત છે.
પ્રાચીન સમયમાં સુમંત નામનો એક બ્રાહ્મણ હતો, જેની પુત્રી સુશીલા હતી. સુમંતે સુશીલાનાં લગ્ન કૌંડિન્ય ઋષિ સાથે કરાવ્યાં. લગ્ન પછી સુશીલા પોતાના પતિ સાથે આશ્રમ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેણે ઘણી સ્ત્રીઓને અનંત ચતુર્દશીનું વ્રત કરતાં જોઈ. સુશીલાએ તેમને વ્રતનું મહત્ત્વ પૂછ્યું અને પોતે પણ વ્રત કરવાનો સંકલ્પ લીધો. વ્રત પૂરું થયા પછી તેણે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અનંત સૂત્ર ધારણ કર્યું. આ વ્રતના પ્રભાવથી કૌંડિન્ય ઋષિનું જીવન સમૃદ્ધિથી ભરાઈ ગયું.
જોકે, એક દિવસ કૌંડિન્ય ઋષિએ સુશીલાના હાથ પર બાંધેલું અનંત સૂત્ર જોયું. અજ્ઞાનતા અને અહંકારના કારણે તેમણે તે સૂત્રને સામાન્ય દોરો ગણીને ફેંકી દીધું. આ અપમાનથી નારાજ થઈને ભગવાન અનંતદેવે તેમની પાસેથી બધું જ છીનવી લીધું. કૌંડિન્ય ઋષિ દરિદ્રતા અને કષ્ટોથી ઘેરાઈ ગયા. જ્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ, ત્યારે તેઓ પસ્તાવો કરવા લાગ્યા. પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરવા અને સુખ પાછું મેળવવા માટે કૌંડિન્ય ઋષિ ચૌદ વર્ષ સુધી અનંત દેવની શોધમાં ભટકતા રહ્યા. જ્યારે તેઓ નિરાશ થયા, ત્યારે ભગવાને તેમને દર્શન આપ્યાં અને કહ્યું કે આ બધું તારા અહંકારના કારણે થયું છે. ભગવાને કૌંડિન્યને ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરવા કહ્યું. કૌંડિન્ય ઋષિએ પૂરા ભક્તિભાવથી આ વ્રત કર્યું અને તેમને ગુમાવેલી સમૃદ્ધિ અને સુખ ફરીથી પ્રાપ્ત થયાં.
વ્રતની વિધિ
વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવો. પછી ભગવાન અનંતના નામે કળશની સ્થાપના કરવી. અનંત સૂત્ર: કમળના ફૂલ કે નાગના આકારમાં દર્ભ પર અનંત સૂત્ર (કાચા રેશમના કે સુતરાઉ દોરાને કંકુથી રંગીને) બનાવવું. આ દોરામાં ચૌદ ગાંઠો મારવી. આ ગાંઠોમાં સુગંધિત ફૂલો, ચોખા અને અન્ય પૂજાસામગ્રી અર્પણ કરવી. ભગવાનને ફળ, ફૂલ, મીઠાઈ અને અન્ય ભોગ અર્પણ કરવાં. પૂજા કરતી વખતે ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરવો. પૂજા પછી આ સૂત્રને હાથ પર બાંધવું. પુરુષોએ જમણા હાથ પર અને સ્ત્રીઓએ ડાબા હાથ પર તેને ધારણ કરવું. – રચના દવે


