- ઇન્ડિયન રેલવેમાં દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત
- નવી દિલ્હી દરભંગા ટ્રેનના S1 અને S2 કોચમાં લાગી આગ
- સરાય ભૂપત રેલવે સ્ટેશન નજીક બની ઘટના
ઇન્ડિયન રેલવેમાં દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. નવી દિલ્હી દરભંગા (02570) એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી છે. ટ્રેનના કેટલાંક ડબ્બાઓમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આ ઘટના ઇટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન નજીક બની છે. હાલ, ઘટના સ્થળે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી રહી છે. જોકે, પ્રાથમિક જાણકારી મુજબ હજુ સુધી આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી. પરંતુ, આગ અત્યંત વિકરાળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં S1 અને S2 કોચ આગમાં ભડભડ સળગી ઉઠયા હતા. એન્જિન અને બંને કોચને છૂટા પાડી દેવામાં આવ્યા છે.
છઠના તહેવારને ધ્યાનમાં રાખીને બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એટલે જ આ ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ હતી. ભીડને જોતાં આ ઘટનાને ગંભીર ઘટના માનવામાં આવી રહી છે.
કેવી રીતે થયો અકસ્માત?
પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે કે S-1 ડબ્બામાં આગ ફાટી નીકળી હતી અને ટ્રેનના ત્રણ ડબ્બાઓને લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.