- 14 માળની ઈમારતમાં આગ લાગવાનું કારણ અકબંધ
- કેટલાક લોકોએ આગને જોઈ બિલ્ડિંગમાંથી નીચે કૂદકા મારી દીધા
- બિલ્ડિંગમાં આગ લાગ્યાના કેટલાક વીડિયો સામે આવ્યા
સ્પેનના વેલેસિયામાં એક 14 માળની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ આગની ઘટનામાં ચાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 20 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર આગ ગુરુવારે સાંજે લાગી હતી. આ દરમ્યાન આશરે 350 લોકો પોતાના ઘરમાં ફસાઈ ગયા હતા. કારણ કે આગની જવાળાઓ એટલી ભીષણ હતી કે કોઈ ઈમારતથી નીચે આવે તેવી કોઈ સ્થિતિ જ નહોતી. કેટલાક લોકોએ આગથી બચવા માટે ઉપરના માળેછી નીચે છલાંગ સુધી લગાવી દીધી હતી. જો કે નીચે આ માટે મેટ ફિટ કરવામાં આવી હતી.
આગ લાગ્યા પછી આના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં એક શખ્સને ઉપરના માળેથી નીચે કૂદતો જોઈ શકાય છે. તેને બચાવવા માટે નીચે જાળી લગાવવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો તેમના ફ્લેટની બાલ્કનીમાંથી મદદની અપીલ કરતા જોઈ શકાય છે.
સમગ્ર ઘટનામાં બિલ્ડિંગ આખી ખંડેરમાં બદલાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ માટે ફાયર બ્રિગેડના સ્ટાફે આખી રાત મહેનત કરવી પડી હતી. તેઓનું માનવું છે કે ગુમ થયેલા લોકો જીવતા બચે તેવી શકયતા ઓછી છે.


