- બ્રાઝિલની ટીમને ફેર પ્લે એવોર્ડ
- ગાર્ડિયોલા-સરીના વિગમેન બેસ્ટ કોચ બન્યા
- વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ લીગમાં બોનમાતી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની હતી
આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સીએ એર્લીંગ હાલેન્ડને ટાઇબ્રેકરમાં હરાવીને ફિફાના બેસ્ટ મેન્સ ફૂટબોલરનો એવોર્ડ જીત્યો હતો. નેશનલ ટીમના કોચ, સુકાની, પત્રકારો તથા સમર્થકો દ્વારા ઓનલાઇન કરવામાં આવેલા વોટિંગના આધારે મેસ્સી અને હાલેન્ડ બંનેને 48-48 વોટ મળ્યા હતા. ટાઇબ્રેકરમાં નિર્ણય નેશનલ ટીમના સુકાની દ્વારા ફાઇવ પોઇન્ટ સ્કોર અથવા પ્રથમ સ્થાને રાખવાના આધારે લેવામાં આવ્યો હતો. મેસ્સીએ 15 વર્ષમાં આઠમી વખત આ એવોર્ડ જીત્યો છે. કેલિયન મબાપે ત્રીજા ક્રમે રહ્યો હતો. મોટા ભાગના મેન્સ ખેલાડીઓ વિવિધ લીગમાં રમી રહ્યા હોવાના કારણે એવોર્ડ સમારંભમાં પહોંચી શક્યા નહોતા. વર્તમાન સમયમાં અમેરિકાની ઇન્ટર માયામી માટે રમી રહેલા મેસ્સીએ ગયા વર્ષના ઓક્ટોબરમાં હાલેન્ડ અને મબાપેને હરાવીને આઠમી વખત બેલોન ડી ઓર પુરસ્કાર જીત્યો હતો.
વિમેન્સ કેટેગરીમાં સ્પેનની વર્લ્ડ ચેમ્પિયન એતાના બોનમાતીને બેસ્ટ પ્લેયર જાહેર કરવામાં આવી હતી. તેણે ગયા વર્ષે પણ બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો હતો. વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ લીગમાં બોનમાતી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની હતી. માન્ચેસ્ટર યુનાઇટેડના કોચ પેપ ગાર્ડિયોલાને મેન્સ કેટેગરીના બેસ્ટ કોચ તથા ઇંગ્લેન્ડની સરીના વીગમેનને વિમેન્સ કેટેગરીની બેસ્ટ કોચ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને કેટેગરીમાં એન્ડરસન તથા મેરી અર્પ્સને બેસ્ટ ગોલકીપર જાહેર કરાયા હતા. બ્રાઝિલની નેશનલ ટીમને ફિફા ફેર પ્લે એવોર્ડ આપવામાં આવ્યો હતો.


