રિજનલમાં ફાઇટર પ્લેન તેજસથી સુખોઇ 3૦ની વૈશ્વિક ઉડાન સુધીની સફરની ઝલક
‘વાઇબ્રન્ટ એક્ઝિબિશન’ ૧૫મી સુધી ખુલ્લું રહેશે : નાગરિકો માટે ઓપન એન્ટ્રીઃ છ ડોમમાં વિવિધ પ્રદર્શનો નિહાળી શકાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારવાડી યુનિવર્સિટી ખાતે ખુલ્લું મુકેલું ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ નાગરિકો માટે ૧૫મી જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે. એક્ઝિબિશન કમિટિના જણાવ્યા પ્રમાણે, આ એક્ઝિબિશનમાં નાગરિકો સવારે ૧૦થી સાંજે ૫.૩૦ ઓપન એન્ટ્રી મેળવીને વિવિધ ડોમ નિહાળી શકશે. મહત્વનું છે કે, આ એક્ઝિબિશનમાં ભારતીય વાયુ સેનાના ફાઇટર પ્લેન તેજસથી લઈને સુખોઈ-૩૦ની પ્રતિકૃતિ, સ્વદેશી હાટ, લાઇવ કદના જહાજ સહિત અનેક આકર્ષણ કેન્દ્રો છે. જે નાગરિકોને વિવિધ ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રો અંગે નવી સમજ આપશે. આ એક્ઝિબિશનમાં ૧૮ હજાર ચોરસ મીટર જગ્યામાં વિશાળ ડોમમાં છ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે.
હોલ નં.૧માં ‘ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ’ની થીમ સાથે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં જાપાનની જેટ્રો (જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન), ઉદ્યોગ અને ખાણ વિભાગ-ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ધોલેરા સર, ગુજરાત માઇન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એસ.બી.આઈ., ગુજરાત ટૂરિઝમ, મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ-ભારત સરકાર વગેરેના આકર્ષક સ્ટોલમાં વિવિધ વિગતો રજૂ કરાઈ છે.
હોલ નં.૨માં ‘ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ’ની થીમ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અહીં ટોરેન્ટ પાવર, પિક્સોન કંપની, પેરામાઉન્ટ, સનીફાઈ, રેડરેન સોલાર, કોસોલ વગેરેના સ્ટોલ્સમાં એનર્જી સેક્ટર અને ગ્રીન એનર્જી સંલગ્ન વિવિધ બાબતો રજૂ કરવામાં આવી છે.
હોલ નં.૩માં ‘હસ્તકલા ગ્રામ્ય અને એમ.એસ.એમ.ઈ.’ થીમનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અહીં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર, ગૌ યોગ કેન્દ્ર, સિગ્નસ મોટર્સ વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા સ્વદેશી હાટ અંતર્ગત વિવિધ સ્ટોલ્સ, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ, વિઝન એનર્જી વગેરેના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતાં સ્થાનિક ગ્રામીણ કારીગરોના ઉત્પાદનોથી લઈને અહીં એમ.એસ.એમ.ઈ.ની તાકાતનું નિદર્શન જોવા મળે છે.
હોલ નં.૪ માં ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ (અવસરોનો મહાસાગર)ની થીમ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા એક મોટા જહાજમાં બંદર અને સમુદ્રી ક્ષેત્રના વિકાસની તકોનું નિદર્શન કરવામાં આવ્યું છે. ઉપરાંત અહીં રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વન્ય પ્રાણીઓના રાહત-બચાવ માટે કાર્યરત વનતારા, ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, શ્રી રામ એરોસ્પેસ, એસ.એલ.એસ., યુનિક ફોર્જ, વી.વી.પી. એન્જિનિયરિંગ વગેરેના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.
હોલ નં.૫માં ‘એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન’ની થીમ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અહીં ભારતની મહારત્ન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, નયારા એનર્જી, જ્યોતી સી.એન.સી., એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ભારતીય શેરબજાર અને સંલગ્ન ઓથોરિટી, નિરમા, બેન્ક ઓફ બરોડા, જે.કે. ટાયર્સ સહિતના મોટા સ્ટોલ્સ છે. એચ.એ.એલ.ના સ્ટોલમાં વાયુસેનાના ફાઈટર પ્લેન તેજસથી લઈને સુખોઈ-૩૦થી પ્રતિકૃતિ સહિત અનેક રોચક બાબતો રજૂ થઈ છે.
હોલ નં.૬માં ‘પબ્લિક સેક્ટર પાવર હાઉસ’માં રાજ્યના શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાન (ગેમી), નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, વન વિભાગ-ગુજરાત રાજ્યના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.
આ તમામ સ્ટોલમાં વિવિધ ક્ષેત્રો દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં અપાતા યોગદાન સાથે ભવિષ્યની સંભાવનાઓની ઝાંખી જોવા મળી રહી છે. આ થીમ પેવેલિયન્સ થકી વિવિધ ક્ષેત્રોને સમજવાનો નવો દ્રષ્ટિકોણ મળી રહ્યો છે.


