- ત્રીજી ટી20 : ન્યૂઝીલેન્ડ 3-0થી આગળ થયું, એલને 16 છગ્ગા ફટકાર્યા
- પાકિસ્તાન પ્રથમ બંને મેચમાં પણ ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી
- પાકિસ્તાને પોતાની છેલ્લી આઠ ટી20 મેચમાં માત્ર એક જ વિજય હાંસલ કર્યો છે
ઓપનર ફિન એલને 62 બોલમાં વિક્રમી 16 છગ્ગાની મદદથી નોંધાવેલા 137 રનની મદદથી ન્યૂઝીલેન્ડે ત્રીજી ટી20 મેચમાં પાકિસ્તાનને 45 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી હતી. એલન કોઈ એક ટી20 ઇન્ટરનેશનલમાં 16 સિક્સર નોંધાવનાર અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઇના રેકોર્ડને સરભર કર્યો હતો. તેણે ટી20માં ન્યૂઝીલેન્ડ તરફથી હાઇએસ્ટ સ્કોરનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પહેલાંનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે હતો જેણે 2012માં બાંગ્લાદેશ સામે 123 રનની ઇનિંગ રમી હતી. હઝરતુલ્લાહે 2019માં આયરલેન્ડ સામે 62 બોલામં 162 રન બનાવ્યા હતા જેમાં તેણે વિક્રમી 16 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડે સાત વિકેટે 224 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમ સાત વિકેટે 179 રન બનાવી શકી હતી. પાકિસ્તાન પ્રથમ બંને મેચમાં પણ ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ મેચમાં તેને 46 અને બીજીમાં 21 રનથી પરાજયનો સામનો કરવો પડયો હતો. પાકિસ્તાનની ઇનિંગમાં બાબર આઝમે 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી અને આ તેની સતત ત્રીજી અડધી સદી રહી હતી.પાકિસ્તાને પોતાની છેલ્લી આઠ ટી20 મેચમાં માત્ર એક જ વિજય હાંસલ કર્યો છે.


